કેરેબિયન પ્રવાસ પર ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ૨૨મી ઓગસ્ટથી પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થઇ રહી છે ત્યારે ટેસ્ટ શ્રેણીને લઇને જોરદાર રોમાંચની સ્થિતિ જોવા મળી રહી છે.
ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૦૬ બાદથી વિન્ડિઝમાં સતત ત્રણ વખત ટેસ્ટ શ્રેણી જીતી ચુકી છે. કેપ્ટન વિરાટ કોહલી ઇચ્છે છે કે તે આ રેકોર્ડને જારી રાખીને વધુ એક શ્રેણી જીતે. વનડે શ્રેણીમાં બે સદી ફટકારીને ફોર્મની સાબિતી આપી ચુકેલા વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીમાં એક સદી ફટકારશે તો દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી સ્મિથના સદીના રેકોર્ડને તોડી નાંખશે. હજુ સુધી સ્મિથ અને વિરાટ કોહલીની ૨૫-૨૫ સદી છે. જો વિરાટ કોહલી શ્રેણીમાં બે સદી ફટકારશે તો વેસ્ટઇન્ડિઝના પૂર્વ મહાન ખેલાડી ગેરી સોબર્સના રેકોર્ડને તોડી દેશે. સોબર્સે ટેસ્ટ ક્રિકેટમાં ૨૬ સદી ફટકારી છે. આ ઉપરાંત વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં હજુ સુધી ૬૬૧૩ રન કર્યા છે.
આવી સ્થિતિમાં તેની પાસે આ શ્રેણીમાં ૭૦૦૦ રન પુરા કરવાની પણ તક રહેલી છે. ભારતીય ટીમે છેલ્લે ૨૦૧૬માં વેસ્ટઇન્ડિઝના મેદાન ઉપર ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી હતી. ૨૦૦૨ સુધી વેસ્ટઇન્ડિઝે પોતાના ઘરમાં જોરદાર દેખાવ જારી રાખીને ભારતીય ટીમને ક્યારે પણ ટેસ્ટ શ્રેણી જીતવાની તક આપી ન હતી પરંતુ ૨૦૦૨ બાદ ઘરઆંગણે વેસ્ટઇન્ડિઝની ટીમ પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. આ વખતે વેસ્ટઇન્ડિઝની ટીમ પાસે કોઇ સારા દેખાવની અપેક્ષા રખવામાં આવી રહી છે. કારણ કે, મોટાભાગની ટીમ બિનઅનુભવી દેખાઈ રહી છે.
બીજી બાજુ ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં હોટફેવરિટ તરીકે મેદાનમાં ઉતરવા માટે ઇચ્છુક દેખાઈ રહી છે. બંને વચ્ચે ૧૯૫૨-૫૩માં ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી લઇને હજુ સુધી બંને દેશો વચ્ચે અનેક ટેસ્ટ શ્રેણીનું આયોજન વિન્ડિઝ કરવામાં આવ્યું છે.
૧૧ ટેસ્ટ શ્રેણીનું આયોજન કેરેબિયન મેદાનમાં કરવામાં આવ્યું છે જે પૈકી ભારતે છેલ્લી ત્રણ ટેસ્ટ શ્રેણી જીતી છે. ૨૦૦૬માં ૧-૦થી, ૨૦૧૧માં ૧-૦ અને ૨૦૧૬માં ૨-૦થી ભારતે ટેસ્ટ શ્રેણી જીતી હતી. જો કે, તે પહેલા વેસ્ટઇન્ડિઝની ટીમ સામે ભારતે ક્યારેય ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળતા મેળવી ન હતી તે ગાળામાં વિન્ડિઝની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ ટીમ તરીકે હતી પરંતુ ટોપના ખેલાડીઓની નિવૃત્તિ બાદ વિન્ડિઝની ટીમનું પતન થયું છે અને એક પછી એક ખેલાડીઓ નિવૃત્ત થતાં તેની ટીમ વાપસી કરી શકી નથી.