સુરત શહેરે અનેકવાર સ્વચ્છતાની દ્રષ્ટિએ એવોર્ડ મેળવ્યા છે. જોકે છેલ્લા એક વર્ષથી સુરત શહેરનો ક્રમાંક સ્વચ્છતાની દ્રષ્ટિએ પાછળ જઈ રહ્યો છે. ત્યારે સુરતીલાલાઓ સ્વચ્છતાની દ્રષ્ટિએ જાગૃત થાય અને પાલન કરે તે ઉદ્દેશ્યથી એક નવો પ્રયાસ સુરત મહાનગરપાલિકાએ ભર્યું છે. જી હાં, અત્યાર સુધી નિયમો ન પાળનાર વાહનચાલકોને દંડવામાં આવતા હતા. પરંતુ હવે તમને મનપા દ્વારા પણ દંડ ફટકારવામાં આવશે. જો તમે ચાલુ વાહને જાહેર માર્ગો કે રસ્તા પર થૂંકશો અથવા પાનની પિચકારી, કચરો ફેંકશો તો તમને ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. મનપાએ સુરત પોલીસ અને આરટીઓ સાથે સંકલન કરી ઈ-મેમો આપવાનું શરૂ કર્યું છે. આ માટે સુરત ટ્રાફિક કંટ્રોલ રૂમ તથા મનપા કચેરીના કન્ટ્રોલની મદદ લેવાશે. જ્યાંથી તમામ મોનિટરિંગ કરાશે. મોનટરિંગ દરમિયાન જે પણ વ્યક્તિ રોડ પર થૂંકતી નજરે પડશે તો તાત્કાલિક ધોરણે તેમના ફોટો સાથેનો ઇ-મેમો તેમને મોકલી આપવામાં આવશે. આ રકમ તેઓએ એક સપ્તાહમાં ભરવાની રહેશે. જો એક સપ્તાહમાં દંડ નહિ ભરશે તો રૂ ૨૫૦નો દંડ ભરવો પડશે.
હાલ મનપા દ્વારા ટ્રાફિક પોલીસની જેમ દંડની રકમ બેંકોમાં જમા કરાવવાની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ નથી. જેથી હાલ જે-તે ઝોનના આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા વાહન રજિસ્ટ્રેશનના સરનામે મેમોની બજવણી કરવામાં આવી રહી છે.