ગારિયાધાર ન.પા.માં બન્ને પક્ષો કોંગ્રેસ-ભાજપના ૧૪-૧૪ નગરસેવકો વિજયી થતા કોનું શાસન લાગુ પડે ? તે નક્કી થતું ન હતું. જ્યારે આજરોજ પ્રાંત અધિકારી પાલીતાણાની હાજરીમાં ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ન.પા. કચેરી ખાતે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ તથા ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખોના નામોની રજૂઆત કરાતા બન્ને પક્ષોમાં મતદાન પણ ૧૪-૧૪ની સંખ્યામાં થયેલ, જેમાં ભાજપાના ગીતાબેન શાંતિભાઈ વાઘેલા પ્રમુખના ઉમેદવાર અને વલ્લભભાઈ જાદવ ઉપપ્રમુખા ઉમેદવાર હતા અને કોંગ્રેસમાં હીરાબેન ઘનશ્યામભાઈ જીવાણી પ્રમુખ પદના ઉમેદવાર તથા ભાવેશભાઈ હીરજીભાઈ ગોરસીયા ઉપપ્રમુખના ઉમેદવાર હતા. જ્યારે મતદાનમાં પણ બન્ને પક્ષોના ઉમેદવારને પોતપોતાના સદસ્યો દ્વારા ૧૪-૧૪ મતો મળવા કોઈપણ ઉમેદવારને સ્પષ્ટ બહુમતી ન મળી હતી. અંતે પ્રાંત અધિકારી દ્વારા ચીઠ્ઠી ઉડાડીને જે વિજેતા થાય તેને સત્તા પક્ષે બેસાવાનું ન.પા. અધિનિયમ હેઠળ નક્કી કરાયું હતું. જેમાં ચીઠ્ઠીમાં ભાજપના ગીતાબેન વાઘેલા પ્રમુખ પદ માટે તથા વલ્લભભાઈ જાદવ ઉપપ્રમુખ પદ માટે વિજયી જાહેર થયા હતા. જ્યારે આ નામો જાહેર થતા જ ભાજપામાં ખુશાલી છવાઈ ગઈ હતી અને વિજય સરઘસ રેલી કાઢીને આનંદ વ્યક્ત કરાયો હતો અને અંતે ચીઠ્ઠીના કારણે ભાજપાને સત્તા મળેલ. જ્યારે સામાપક્ષે કોંગ્રેસ દ્વારા પણ સત્તા ભલે ન મળી પરંતુ વિપક્ષ મજબુત બન્યો હોવાની ખુશી વ્યક્ત કરેલ અને વિરોધ પક્ષના સદસ્ય હિંમતભાઈ માણીયા દ્વારા જણાવાયું હતું કે, આજરોજની સભા પદના કોંગ્રેસના ઘણા બધા મધ્યમ વર્ગના સદસ્યોને મોટી મસ નાણાંકિય ઓફરો મધ્યસ્થી મારફતે મળેલ પરંતુ તે તમામ સદસ્યો પાર્ટીને વફાદાર રહીને લાલચમાં ન આવ્યા જેનો અમોને આનંદ છે.
આમ આજરોજ લાંબા સમય બાદની અટકળોનો અંતે પરિણામમાં ભાજપા ચીઠ્ઠીના નસીબથી સત્તા પર આવ્યું છે અને વિપક્ષ કોંગ્રેસ, જ્યારે આવી જ પરિસ્થિતિ રહેશે તો આ પ્રમુખ-ઉપપ્રમુખની ટર્મ અઢી વર્ષ બાદ પૂર્ણ થશે ત્યારે પણ ફરીથી આજ પધ્ધતિથી મતદાન થવાના એંધાણ રહેશે.