નાના ચિલોડાના ઢાંકણીપુરામાં ખુલ્લા પ્લોટમાં રમતા બે બાળકોનું વીજપોલના કરંટથી મોત

457

શહેરનાં નાના ચિલોડા રોડ પર ઢાંકણીપુરા ગામે નવી વોટર વર્ક્સની ખુલ્લી જગ્યામાં રમતા બે બાળકોને ઇલેક્ટ્રિક વીજ થાંભલાના કરંટ લાગતા તેઓના મોત નીપજ્યાં છે. રમતા રમતા તેઓ થાંભલા પાસે ગયા હતા અને જેવા અડ્‌યા તેવા જ શોટ લાગતા તેઓ નીચે પટકાયા હતા. નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે બંને બાળકો ત્રિપાઠી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. છેલ્લા ૧ વર્ષથી વીજપોલનું મેઈન્ટેઈન નથી થયું. જોકે હાલમાં જ ખોદકામ કર્યું હોવાથી વાયરો ખુલ્લા રહી ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

નાના ચિલોડા પાસે ઢાંકણીપુરા ગામમાં રબારીવાસમાં અંકિત જોગેન્દ્ર શર્મા (ઉ.વ.૬) અને વિજય ગોપાલભાઈ ઠાકોર (ઉ.વ.૮) રહેતા હતા. બંને બાળકો નવી બનેલા વોટર વર્કસની ખુલ્લી જગ્યામાં રમતા હતા. રમતા રમતા બાળકો ત્યાં આવેલા એક ઇલેક્ટ્રિક થાંભલાને અડ્‌યા હતા. જેના કારણે બંનેને શોટ લાગ્યો હતો.

બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Previous articleશહેરની ૫૯ ગ્રાન્ટેડ સ્કૂલોએ ૫ વર્ષથી હિસાબ જ નથી આપ્યો, એક શાળાએ ૩૨ વર્ષથી ઓડિટ જ નથી કર્યું
Next articleગાંધીનગરમાં ૫૦ માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વેચાણ પર પ્રતિબંધ