મિલકત વેરાના સરકારી બાકીદારોને સાણસામાં લેવા માટે તંત્ર હરકતમા

442

મહાપાલિકા વિસ્તારમાં આવેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની માલિકીની મિલકતોના વેરાની વસૂલાત માટે હવે તંત્ર હરકતમાં આવશે. આ મિલકતો માટે પણ મહાપાલિકાની આગોતરી વેરા ચૂકવણીમાં ૧૦ વળતરની યોજના અમલમાં મુકાઇ હતી, છતાં ઘણી મિલકતોના વેરા બાકી છે. ત્યારે આગામી તારીખ ૧ સપ્ટેમ્બરથી બાકી વેરાની રકમ પર વ્યાજની ગણતરી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યા છે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે કેન્દ્ર સરકારની મિલકતો પાસેથી આકારણીના ૫૦ ટકા લેખે અને રાજ્ય સરકારની મિલકતો પાસેથી ૮૦ ટકા લેખે જ વેરાની વસૂલાત કરવાની છે. બીજી બાજુ વળતર આપવાની યોજનાના અમલ બાદ પણ સંખ્યાબંધ મિલકત ધારકોએ વેરા ભર્યા નહીં હોવાથી હવે મહાપાલિકા કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં કવાયત શરૂ કરશે.

મહાપાલિકાએ સરકારી મિલકતોની કરવેરાની આવક મેળવવા માટે સતત પ્રયત્ન કર્યા હોવા છતાં તેમાં ધારી સફળતા મળી નથી. અગાઉ આ મુદ્દે જે તે વિભાગોને નોટિસ ફટકારવામાં આવી હતી અને મામલો તત્કાલિન માર્ગ અને મકાન મંત્રી સુધી પણ પહોંચ્યો હતો. ત્યારબાદ વિભાગ તરફથી એવી સુચના આપવામાં આવી હતી કે જે વિભાગ હસ્તક મિલકત મુકવામાં આવી હોય અથવા જે વિભાગ દ્વારા મિલકતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તેમની પાસેથી મહાપાલિકાએ વેરાની વસૂલાત કરવાની રહેશે. પરિણામે મહાપાલિકા તરફથી આ પ્રકારે નોટિસો ઇશ્યુ કરવામાં આવી રહી છે. પરંતુ આમ છતાં વેરાની વસૂલાત આવતી નહીં હોવાથી હવે વ્યાજ સહિત રકમ વસૂલવા નિર્ણય લેવાયો છે. તેથી મનપા હવે આગામી સમયમાં આ મુજબ કાર્યવાહી કરશે.

મહાપાલિકા દ્વારા ૧૦ ટકા વળતર આપવાની યોજના અમલી કરાયા બાદ પણ સંખ્યાબંધ મિલકત ધારકોએ વેરા ભર્યા નહીં હોવાના પગલે હવે મહાપાલિકા કાયદેસરની કાર્યવાહી કરશે. તેમાં કરવેરાના રૂપિયા ૫ લાખ અને તેથી વધુ રકમના બાકીદારોના કિસ્સામાં મિલકતને સીલ મારવા સુધીના પગલા લેવા બાકીદારોની યાદી અલગથી તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યા છે અને નજીકના દિવસોમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Previous articleનિકોલમાં અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી, ૭ દટાયા
Next articleસરકારી આવાસોમાં જોખમી બનેલી પાણીની ટાંકીઓ તોડી પાડવા અંગે લેવાયેલો નિર્ણય