સરકારી આવાસોમાં જોખમી બનેલી પાણીની ટાંકીઓ તોડી પાડવા અંગે લેવાયેલો નિર્ણય

488

પાટનગરમાં સરકારી આવાસો જર્જરિત બન્યા હોવાની વાત તો નવી નથી. પરંતુ આટલા વર્ષો પહેલા આવાસોના ધાબા પર બાંધવામાં આવેલી સિમેન્ટ કોંક્રિટની પાકી ટાંકીઓ છેલ્લા ઘણા સમયથી જોખમી બની ચૂકી છે.

ભૂતકાળમાં આવી ટાંકીઓ તૂટી પડવાના બનેલા બાદ કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટર ૬થી સેક્ટર ૩૦માં પથરાયેલા સરકારી આવાસના તમામ બ્લોકમાં ધાબા પરની પાકી ટાંકીઓ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ રિનોવેશનમાં લેવાતા બ્લોક્સમાં ટાંકીઓ બદલવાનું શરૂ કરી દેવાયું છે.

પાટનગરમાં માત્ર મંત્રીઓ અને ઉચ્ચ સનદી અધિકારીઓને ક અને ખ પ્રકારના લક્ઝુરિયસ બંગલા ફાળવાય છે. આ સિવાય ગથી જ પ્રકારના આવાસ ફ્‌લેટ ટાઇપમાં બે અને ત્રણ માળના બાંધેલા છે. આ તમામ આવાસના ધાબા પર જે તે સમયે પાણીની ૧ હજાર લિટર અને વધુ ક્ષમતાની વિશાળ પાણીની ટાંકીઓ બાંધવામાં આવી હતી. સમય પસાર થવાની સાથે જ્યાં નવી ટાંકી આપવાની જરૂરત પડી છે. ત્યાં પ્લાસ્ટિકની ટાંકીઓ મુકી દેવામાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન આ જૂની ટાંકીઓ તૂટી જવાના બનાવ બન્યા છે. પ્રતિ વર્ષે ચોમાસાના દિવસોમાં એકાદ ટાકી તૂટી પડવાના બનાવ તો ચોપડે ચઢી જ જાય છે. ગત ચોમાસામાં સેક્ટર ૨૨માં એક સરકારી આવાસના ધાબા પરની પાકી ટાંકી તૂટી ગઇ હતી.

આ બનાવોને આખરે ગંભીરતાથી લેવામાં આવ્યા છે. પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરમાં તમામ સરકારી આવાસના ધાબા પરથી જૂની પાકી ટાકીઓ હટાવી દેવાનો નિર્ણય લેવાયો છે. તેના માટે સરકારમાં દરખાસ્ત કરી દેવાઇ છે.

Previous articleમિલકત વેરાના સરકારી બાકીદારોને સાણસામાં લેવા માટે તંત્ર હરકતમા
Next articleગાંધીનગર સિવિલ હોસ્પિ.માં ૪ દિવસથી IITV બંધ, ઓર્થોપેડિકના ૭૦ ટકા ઓપરેશન અટવાયા