જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ અને ૩૫-એ હટાવવાને પગલે ભારતભરમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત પોલીસ વધુ સતર્ક બની છે. ગુજરાત એટીએસ તરફથી શહેરની એસઓજી, જિલ્લા એસઓજી અને તમામ પોલીસને એક ફેક્સ મેસેજ કરાયો છે. જેમાં ચાર જેટલા લોકો ભારતમાં ઘૂસ્યા હોવાના ઇનપુટ આપવામાં આવ્યા છે. તેમાંનો એક શખ્સ અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો હોવાનું પણ જણાવાયું છે. જેને પગલે અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા વાહનચેકીંગ, પેટ્રોલીંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન અને અસરકારક બનાવી દેવાયા છે. તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાઇ છે. તાજેતરમાં કાશ્મીરમાંથી ૩૭૦ હટાવાતાં જ આઇબી દ્વારા આંતકી હુમલાને લઇ ગંભીર એલર્ટ અપાયું હતું. કેટલાક આતંકી સંગઠનો પણ એક્ટિવ થઇ હુમલો કરવાના હોવાના પોલીસને ઇનપુટ મળ્યા હતા. ત્યારે વધુ એક વખત શહેર પોલીસ તથા તમામ એસઓજીને એટીએસ તરફથી એક ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, ઓગસ્ટ- ૦૧૯ની શરૂઆતમાં અફઘાન પાસપોર્ટ ધરાવતા ચાર ઇસમો ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર એટેકને અંજામ આપવા સારું અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરેલી છે.
અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આ આતંકી ગ્રુપના વડાનો પાસપોર્ટ અને ફોટો પણ પોલીસને કરેલા ફેક્સ મેસેજમાં સામેલ કરાયો છે. આ શખ્સ આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાકી નામના ઇસમનું પાકિસ્તાની ઓળખપત્ર પણ સામેલ કરાયું છે. આ બાબતે તા.૧૫ જુલાઇ,૨૦૧૯થી ફોટોમાં સામેલ ઇસમ અથવા અન્ય કોઇ પણ અફઘાન પાસપોર્ટ ધરાવનાર ઇસમો જે તે વિસ્તારમાં હોય તો તેના સી ફોર્મની વિગતો માહિતી સાથે તા.૧૮મી ઓગસ્ટ, ૨૦૧૯ સુધીમાં જે તે કચેરીઓમાં મોકલવાનો હુકમ કરાયો છે. તો બીજી તરફ પોલીસે પણ પાસપોર્ટને લગતી તમામ તપાસ શરૂ કરી રિપોર્ટ તેમના અધિકારીઓને સોંપ્યો છે. ગુજરાત એટીએસના આ એલર્ટ બાદ અમદાવાદ સહિત રાજયભરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવાઇ છે. ગુજરાતને જોડતાં તમામ માર્ગો અને એન્ટ્રી પોઇન્ટો પર વાહન ચેકીંગ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળોએ સતત પેટ્રોલીંગ અને સઘન વોચ સહિતના સલામતી વિષયક પગલાં અમલી બનાવી દેવાયા છે. પોલીસ એકેએક શંકાસ્પદ હિલચાલ અને ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે.