સસ્પેન્ડેડ આઈએએસ દહિયા હાઇકોર્ટ પહોંચ્યા, પોલીસની હેરાનગતિનો આક્ષેપ

467

કથિત પ્રેમ પ્રકરણના કારણે ચર્ચાના ચગડોળે ચડેલા રાજ્યના સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયા હાઇકોર્ટની શરણે પહોંચ્યા હતા. દહિયાએ કોર્ટમાં રાવ નાખી કે તેમના કથિત ગુના બાબતનું કાર્યક્ષેત્ર દિલ્હી પોલીસમાં આવે છે તેમ છતાં માત્ર ફરિયાદના મળેલા કાગળના આધારે ગુજરાત પોલીસ ખોટી રીતે હેરાન કરી રહી છે. દહિયાના આક્ષેપ અને અરજીના મામલે કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશન આપ્યો છે. કોર્ટે સરકારને કહ્યું છે કે આ મામલે ૨૨મી ઑગસ્ટ સુધીમાં સરકાર વલણ સ્પષ્ટ કરે. દહિયાની અરજી મુદ્દે કોર્ટમાં ૨૨મી ઑગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે.

અગાઉ દિલ્હીની મહિલા સાથેના કથિત પ્રેમ પ્રકરણ કેસમાં તપાસ સમિતિનાં રિપોર્ટ બાદ આઈએએસ ગૌરવ દહિયા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે પોલીસે ચારવાર ગૌરવ દહિયાને હાજર રહેવા માટે નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર રહ્યાં ન હતાં. તપાસમાં સહયોગ ન આપતા કાર્યવાહી કરવામાં આવશે. આ કથિત પ્રેમ પ્રકરણમાં પોલીસ આઈએએસ ગૌરવ દહિયાને તેમનુ નિવેદન નોંધાવવા માટે અગાઉ ત્રણ વખત નોટીસ મોકલી ચુકી છે. પરંતુ દહિયા પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. જેને પગલે છેલ્લે ગાંધીનગર સેક્ટર-૭ પોલીસે દહિયાને ચોથી નોટીસ મોકલી હતી.

બે સપ્તાહ પૂર્વે સરકારે રચેલી તપાસ કમિટી સમક્ષ ગૌરવ દહિયા હાજર થયા હતા. જ્યાં દહિયાની છથી સાત કલાક સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે તે બાદ દહિયા પોલીસ સમક્ષ હાજર થતા નથી. પોલીસે દિલ્હી જઈને મહિલાનું નિવેદન પણ લીધું હતું.

Previous articleઅર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવા નવા સાહસી નિર્ણયની ટૂંકમાં ઘોષણા
Next articleરાજ્યમાં આ વર્ષે ધો.૫ અને ૮ના ૩૦ ટકા વિદ્યાર્થીઓને ડિટેઈન કરાશે