શહેરના પરિમલ ચોક પાસે આખલાએ અડફેટે લેતા યુવાનનું સ્થળ પર મોત

669
bvn2622018-9.jpg

ભાવનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લઈ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં રખડતા ઢોરને લઈ રોજબરોજ નાના-મોટા અકસ્માતો બનવા પામે છે. અગાઉ અકસ્માત થતા લોકોએ જીંદગી ગુમાવી છે. જેમાં આજરોજ મોડી સાંજે પરિમલ ચોક વિસ્તારમાં બે આખલા બાધતા હતા ત્યારે ત્યાંથી બાઈક લઈ પસાર થઈ રહેલા યુવાનને આખલાએ અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા યુવાનનું સ્થળ પર જ કરૂણ મોત નિપજવા પામ્યું છે.
બનાવની મળતી વિગત મુજબ, શહેરના વાઘાવાડી રોડ પરિમલ ચોક પાસે બે આખલા બાધતા હતા તે વેળાએ શહેરના ભરતનગર સીંગલીયામાં રહેતા બિપીનભાઈ ભરતભાઈ ચુડાસમા ઉ.વ.ર૮ પોતાનું મોટરસાયકલ નં.જીજે૪ બીસી પપ૭૭ પસાર થતા આખલાએ ધડાકાભેર અડફેટે લેતા યુવાનને લોહીયાળ ઈજાઓ થતા સ્થળ પર જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું.
 બનાવ બનતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને નિલમબાગ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બનાવ અંગેના જરૂરી કેસ કાગળો કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. રખડતા ઢોરના ત્રાસથી યુવાનનું મોત નિપજતા મહાપાલિકા વિરૂધ્ધ લોકોએ રોષ ઠાલવ્યો હતો.

Previous articleવિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરાયું
Next articleસિહોરમાંથી મસમોટો ઈગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો