ગુજરાતમાં વરસાદી માહોલ હાલ અકબંધ રહે તેવી પ્રબળ સંભાવના

586

ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવો વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર ઉપર અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેના લીધે હજુ પણ વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગ તરફથી કોઇપણ પ્રકારની ચેતવણી ભારે વરસાદ માટે જારી કરવામાં આવી નથી પરંતુ હળવા વરસાદી ઝાપટા જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ જુદા જુદા વિસ્તારમાં પડી શકે છે જેમાં જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરનો સમાવેશ થાય છે. હળવા વરસાદી ઝાપટા વચ્ચે સાફ સફાઈ અભિયાન પણ તીવ્ર કરવામાં આવી ચુક્યું છે. ગુજરાતમાં રાજયમાં નોંધાયેલા સાર્વત્રિક વરસાદના કારણે ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં સરેરાશ ૮૮.૫૯ ટકા વરસાદ એટલે કે, લગભગ ૮૯ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

મેઘરાજા ખૂબ સારી રીતે રાજયભરમાં મહેરબાન થતાં અને નવા નીરની આવકને પગલે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૮ જળાશયો છલકાયાં છે. રાજયના જળાશયો છલકાઇ જતાં ખેડૂતઆલમમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે તો, રાજય સરકાર અને તંત્રની પણ સિંચાઇ અને ખેતીના પાણીને લઇ ચિંતા હળવી બની ગઇ છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૧૯ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૬ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૩૮ જળાશયો છલકાયા છે. ૪૩ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૨૧ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૮૦.૬૪ ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. રાજ્યમાં હાલમાં ૫,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨,૬૫,૦૫૯, વણાકબોરીમાં ૫૯,૩૮૬, કડાણામાં ૪૭,૯૫૪, ઉકાઇમાં ૩૯,૧૦૨, દમણગંગામાં ૯,૩૫૮, કરજણમાં ૬,૦૩૮ ક્યુસેકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૮૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૬૮ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૯.૭૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૦.૯૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૨.૩૭ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૭૦.૮૧ ટકા એટલે ૩,૯૪,૧૮૭.૪૪ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે. પ્રાપ્ત માહિતી મુજબ સરદાર સરોવર બંધમાં પાણીની સપાટીમાં ઉલ્લેખનીય વધારો થયો છે. સપાટી હવે ૧૩૨.૯૧ સુધી પહોંચી ગઈ છે.

 

Previous articleબંકિમ પાઠક અને હેમંત ચૌહાણ સહિત ૧૫ ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા
Next articleકોળિયાકની આદર્શ શાળામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી