વડોદરા શહેરમાં છેલ્લા ૮ મહિનાથી દુષિત પાણીની સમસ્યા છે, ત્યારે વડોદરાના જાણીતા વકીલ અને કોંગ્રેસ અગ્રણી કમલ પંડ્યાએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે, જેમાં કમલ પંડ્યાએ લખ્યું છે કે, વડોદરાની પાણીની દુષિત સમસ્યાનો ઉકેલ તમે જ લાવી શકો તેમ છો. તમે વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા તેમાં વડોદરાનો સિંહ ફાળો છે, તે વાત તમે પણ સ્વીકારો છો. આપણે ચંદ્રયાન દ્વારા ચંદ્ર સુધી પહોંચી શકીએ છીએ, મંગળ મિશન કરી શકીએ છીએ, પરંતુ પાયાની મુશ્કેલીથી પીડાતા આમ આદમી તરફ જોવાની ફરજ ચૂકી રહ્યા છીએ.
કમલ પંડ્યાએ પીએમ મોદીને પત્રમાં લખ્યું છે કે, સયાજીરાવ ગાયકવાડે વડોદરાને ચોખ્ખુ પીવાનું પાણી મળી રહે તે માટે આજવા સરોવર બંધાવ્યું હતું. પરંતુ દુઃખ સાથે કહેવુ પડે છે કે, રાજકારણ અને વહીવટમાં કેટલાક ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીને કારણે આજવા સરોવર અને નિમેટા ખાતે આવેલો ફિલ્ટરેશન પ્લાન્ટને હાની પહોંચાડેલ છે, જેને કારણે ડિસેમ્બર-૨૦૧૮થી વડોદરા શહેરની મોટાભાગની પ્રજા ગંદુ, ડહોળુ અને વાસ મારતુ પાણી પીવા માટે સપ્લાય થઇ રહ્યું છે.
તેઓએ વધુમાં પત્રમાં લખ્યું છે કે, અમે શહેરના નાગરિક તરીકે આપને વિનંતી કરીએ છીએ કે, એવી કોઇ તર્જજ્ઞ અધિકારીઓની ટીમ કે જે પાણીની શુદ્ધીકરણની નિષ્ણાંત હોય તેવી ટીમને તાત્કાલિક વડોદરા ખાતે મોકલવા અને વડોદર શહેરની સંસ્કારી પ્રજાને પીવાલાયક પુરતુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા અને પડી રહેલી મુશ્કેલીનો તાત્કાલિક નિવેડો લાવવા માટે આપને નમ્ર વિનંતી કરીએ છીએ.