સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને લાફો મારવો ભાજપના કોર્પોરેટર ભરત વઘાસિયાને ભારે પડી ગયો છે. લાફો મારવા બાબતે સુરત કોર્પોરેશનના કર્મચારીઓએ વિરોધ કરતાં પોલીસને આખરે કોર્પોરેટર ભરત વઘાસિયાની ધરપકડ કરવી પડી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે દુકાનનો મેમો ફાડતી વખતે થયેલી બોલાચાલી બાદ કોર્પોરેટર ભરત વઘાસિયાએ સેનેટરી સબ ઈન્સ્પેક્ટરને લાફો માર્યો હતો.
આરોગ્ય અધિકારીની ટીમ પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર વેપારીને ત્યાં રેડ કરી હતી. વરાછાના મઢુંલી ચા સેન્ટર પાસેથી પ્રતિબંધિત ચા અને પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ મઢુંલી ચાના માલિકે સ્થાનિક કોર્પોરેટર ભરત મોનાને બોલાવ્યો હતો. ભરત મોનાએ અધિકારી સાથે દાદાગીરી કરી હતી. દાદાગીરી બાદ ભરત મોનાએ અધિકારીને લાફો માર્યો હતો.
જે બાદ અધિકારીઓએ એકત્ર થઈ પાલિકા કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી. મોડી રાત્રે કોર્પોરેટર ભરત મોના અને મઢુંલી ચાના માલિક સામે સરકારી કામમાં અડચણ ઉભી કરવા બાબતે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ બંને વરાછા પોલીસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી. જેની જાણ થતા સમર્થકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.