ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં જો ચૂક રહી જાય તો સામાન્ય માનવી તો દંડાય જ છે પરંતુ નેતાઓને દંડવામાં આવ્યા હોવાના કિસ્સા જ્જવલે જ નોંધાય છે. આવો જ એક કિસ્સો ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના ગેટ નંબર ૧ પર બનવા પામ્યો છે. ગાંધીનગરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન જૂના- નવા સચિવાલય સંકુલ આગળ આવેલા ગેટ નંબર ૧ પર આરટીઓ દ્નારા ટ્રાફિક નિયમન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં સિટ બેલ્ટ, લાઈસન્સ, હેલમેટ જેવા ટ્રાફિક નિયમોનું પાલન ન કરાતા વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન, પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પણ દંડ કરાયો હતો. જેમાં સીટ બેલ્ટ, કાળી ફિલ્મને મામલે કાર ચલાવનાર ડ્રાઈવરને આંતરી પૂછપરછ કરવામાં આવી હતી. તે પછી ધારાસભ્યોને મેમો ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ધારાસભ્ય ઉપરાંત ડેપ્યુટી કલેકટરને પણ મેમો મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિકનું ઉલ્લંઘન કરવા બદલ, અનેક અધિકારીઓ અને કર્મચારીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.