ભારતીય હોકી ટીમે બુધવારે ટોક્યો ખાતે ન્યૂઝીલેન્ડને ૫-૦થી હરાવીને ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ જીતી હતી. અગાઉ રાઉન્ડ રોબિન મેચમાં ભારત કિવિઝ સામે ૧-૨થી હાર્યું હતું. ભારત માટે હરમનપ્રિતસિંહ (૭’), શમશેર સિંહ (૧૮’), નિલકંતા શર્મા (૨૨’), ગુરસહીબજીત(૨૬’) અને મંદીપે સિંહે (૨૭’) ગોલ કર્યો હતો. ભારત અને કિવિઝે ડિફેન્સ સાથે મેચની શરૂઆત કરી હતી અને બંને ટીમ મિડફિલડ રિજનથી આગળ બોલને જવા દેતા ન હતા. ભારતને સાતમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ ટીમ કન્વર્ટ કરવામાં સફળ રહી ન હતી.
જોકે કેપ્ટન હરમનપ્રિતે બીજી વખત પેનલ્ટી કોર્નર મળ્યો ત્યારે તકનો ભરપૂર ફાયદો ઉઠાવીને ભારતનું ખાતું ખોલ્યું હતું. તેણે ડ્રેગ ફ્લિકથી ગોલ કર્યો હતો. પહેલા ક્વાર્ટરમાં ૧-૦ની લીડ પછી ૧૮મી મિનિટે શમશેરસિંહે બીજા પેનલ્ટીને ગોલમાં કન્વર્ટ કર્યો હતો.
કિવિઝ તેમાંથી બહાર આવે તે પહેલા જ ભારતે બીજા ત્રણ ગોલ કરી દીધા હતા. નિલકંતાએ ૨૨મી મિનિટે ગોલ કર્યો હતો, જયારે તે પછી ગુરસહીબજીત અને મંદીપે સિંહે ૨૬મી અને ૨૭મી મિનિટે ગોલ કર્યા હતા. હાલ્ફ ટાઈમ પર ભારત ૫-૦થી આગળ હતું.
પ્રથમ હાલ્ફ પછી બંને ટીમોની રમત ધીમી થઇ ગઈ હતી. કિવિઝે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયા ન હતા. ૩૭મી મિનિટમાં જર્મનપ્રિત સિંહે કિવિઝનો પેનલ્ટી કોર્નર બચાવીને તેમને ખાતું ખોલતા રોક્યા હતા. તે પછી તેઓ કોઈ પડકાર આપી શક્યા ન હતા અને ભારતે ૫-૦થી કિવિઝને હરાવ્યું હતું.