અમદાવાદના નારોલ વટવા રોડ પર આવેલી એક ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો છે. ગોપી ઇન્ડસ્ટ્રીઝ નામની કાપડ બનાવતી ફેક્ટરીમાં આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા. પરંતુ કાપડની ફેક્ટરમાં લાગેલી આગ પર સવાર સુધીમાં પણ કાબૂ મેળવી શકાયો નથી. સવાર સુધી ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નારોટના વટવા રોડ પર આવેલી ગોપી ઈન્ડસ્ટ્રીઝમાં તાજેતરમાં જ કાપડના ગોડાઉન બનાવવામાં આવ્યું હતું, જ્યાં રો મટીરીયલ અને તૈયાર થઈ ગયેલ કાપડ મોટા પ્રમાણમાં રાખવામાં આવ્યું હતું. જે મોડી રાત્રે લાગેલી આગમાં ભસ્મીભૂત થઈ ગયું હતું. માનવામાં આવે છે કે કરોડો રૂપિયાના કાપડનો સામાન આગમાં હોમાઇ ગયો છે. જોકે આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.
કાપડની આજ કંપનીમાં ગઈકાલે વહેલી સવારે પણ આગનો બનાવ બન્યો હતો, જેને ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી હતી. ત્યારે મોડી ફરીથી આગની જ્વાળા ભભૂકી ઊઠી હતી અને આગ બુઝાવવા જતા શેડની એક દિવાલ ગરમીને કારણે ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નહોતી. બીજી તરફ, નિયમો મુજબ બનાવની જગ્યાએ ફાયરના કોઈ પણ સાધનો જોવા મળ્યા ન હતા. આ અંગે પણ ફાયર બ્રિગેડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેઓ ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તૂરે જણાવ્યું હતું.
આગ ઓલવતા છ થી સાત કલાક સુધી સતત પાણીનો મારો ચલાવવા છતાં પણ આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને સફળતા મળી ન હતી. ઉલ્લેખનીય છે કે પંદરથી વધુ ફાયર ફાઈટર અને સ્થાનિક ઇન્ડસ્ટ્રી પાણીની ટાંકીમાંથી પાણી લઈ આગ બૂઝવવાનું ફાયર બ્રિગેડ શરૂ કર્યું હતું.