સુભાષબ્રિજ વિસ્તારમાં આવેલી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા જૂનિયર ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડ રૂપિયા ૧૨૦૦ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. આરોપી ક્લાર્કે ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતીને બેકલોગમાં કરી ફોર્મમાં નંબર આપવા ફોર્મ દીઠ રૂપિયા ૩૦૦ અને ગાર્ડના ૧૦૦ રૂપિયા માંગ્યા હતા. એસીબીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાઇસન્સનું કામકાજ કરતા યુવક પાસે સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં જૂનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દશરતભાઇ ચૌધરીએ ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતીના બેકલોગના ફોર્મમાં નંબર આપવા માટે ફોર્મ દીઠ ૩૦૦ રૂપિયા માંગ્યા હતા જ્યારે સીઆઇએસએફના સિક્યુરિટી ગાર્ડ હિતેન્દ્ર પરમારના ૧૦૦ રૂપિયા માંગ્યા હતા.
કામ કરાવવા માટે લાંચની માંગણી કરવામાં આવતા યુવકે એસીબીને જાણ કરી હતી. આજે સવારે એસીબીએ આરટીઓ કચેરીમાં જ ટ્રેપ ગોઠવી જૂનિયર ક્લાર્ક અને ગાર્ડ બંન્નેને ૧૨૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.