ગાંધીનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનીના પુત્રનો જાસપુર કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાનો પુત્ર છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો. ૨૩ વર્ષના જયરાજે પોતાના પિતરાઈ ભાઈને હું આત્મહત્યા કરવા જઉં છું તેવો છેલ્લો મેસેજ આપ્યો હતો. તેના બાદ તેણે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર કોર્પોરેશનના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલનો મોટો પુત્ર જયરાજસિંહ બિહોલા (ઉંમર ૨૩ વર્ષ) સોમવારે ૧૯ ઓગસ્ટના રોજ રાત્રે ૯ કલાકે તેના ઘરમાંથી અચાનક નીકળી ગયો હતો. ઘરથી નીકળતા સમયે છેલ્લીવાર તેણે પોતાના પિતરાઈ ભાઈ સાથે ફોન પર વાત કરી હતી. તેણે પિતરાઈ ભાઈને ફોન પર કહ્યું તું કે, તુ મને મળવા માટે આવી જા, હું કેનાલમાં પડુ છું. આ વાત જાણીને તેનો પિતરાઈ ભાઈ ચોંકી ગયો હતો, અને તરત પોતાની ગાડી લઈને કેનાલ તરફ જવા નીકળી ગયો હતો. પિતરાઈ ભાઈએ તેને સમજાવવા માટે ફોન ચાલુ રાખ્યો હતો, પરંતુ જયરાજસિંહ અધવચ્ચે જ ફોન કાપી નાંખ્યો હતો. તેના બાદ જયરાજનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
પિતરાઈ ભાઈએ તરત શૈલેન્દ્ર સિંહ બિહોલને આ વાતની જાણ કરી હતી. આખો પરિવાર તથા પોલીસ કેનાલ પાસે પહોંચ્યા હતા, જ્યાં જયરાજનુ બાઈક અને ચંપલ મળી આવ્યા હતા. તેના બાદ ગઈકાલથી જયરાજને શોધવાની તજવીજ હાથ ધરાઈ હતી. એનડીઆરએફ તથા ફાયર બ્રિગેડની મદદથી જયરાજને શોધવાના પ્રયાસો હાથ દરાયા હતા. જયરાજને શોધવા માટે નભોઈથી છેક જાસપુર સુધીની કેનાલ ફંફોસી નાંખવામાં આવી હતી. ગઈ કાલ આખા દિવસની શોધખોળ બાદ પણ વિપક્ષના પુત્ર જયરાજની મૃતદેહ ન મળતા આજે પણ તેની શોધખોળ કરાઈ રહી હતી. ત્યારે આજે સવારે જાશપુર નર્મદા સાઈફન પાસે જયરાજનો મૃતદેહ મળી આવ્યો હતો.
૨૩ વર્ષના જુવાનજોધ પુત્રએ આત્મહત્યા કરી લેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જયરાજે લખેલી ચિઠ્ઠીમાં પોતે આત્મહત્યા કરી રહી હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે. તેણે અંગત કારણોસર આત્મહત્યા કરી હોવાની વાત પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે.