છેલ્લા ૧૫ દિવસથી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાત્રીના સમયે ગ્રામ્ય વિસ્તાર જેવો અંધકારમય માહોલ અનુભવવા મળે છે.
ગાંધીનગરના મુખ્ય માર્ગો ઉપરાંત આડા રોડ તથા સેક્ટરોના આંતરિક રોડ પરની મોટાભાગની સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે તેમાંથી જુજ લાઇટોની ફરિયાદો તંત્રને કરવામાં આવી છે તેમ છતા તેમાંથી પણ ૫૦ ટકા લાઇટો શરૂ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયું છે.
રાજ્યનું પાટનગર હોવાને કારણે ગાંધીનગર અને અહીંના રહિશોની સુવિધાનું સરકાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે તેવું સ્થાનિક આગેવાનો તથા સરકારના અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે પરંતુ વાસ્તવિક્તા કઇંક વિપરીત જ છે તે નગરજનો ઘણા વખતથી અનુભવી રહ્યા છે.
ગાંધીનગરમાં છેલ્લા ૧૫ દિવસથી સ્ટ્રીટલાઇટના ધાંધિયા શરૂ થયા છે. શરૂઆતના દિવસોમાં સેક્ટરોના આંતરિક માર્ગોની સ્ટ્રીટલાઇટો બંધ રહેતી હતી ત્યારે છેલ્લા ઘણા દિવસોથી મુખ્યમાર્ગોની હારબંધ સ્ટ્રીટ લાઇટો ડૂલ રહે છે. જેના કારણે અડધાથી એક કિલોમીટર સુધીના સીધા રોડ ઉપર પણ અંધારુ જોવા મળે છે. આ ઉપરાંત નગરના આડા રોડ ઉપરની લાઇટો પણ બંધ હોવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નગરના તમામ માર્ગોની કુલ લાઇટો પૈકી અડધી લાઇટો માંડ ચાલુ છે ત્યારે તેમાંથી કેટલીક જ લાઇટો અંગે જાગૃત નગરિકોએ ફરિયાદ કરી છે તેમ છતા તંત્ર દ્વારા આ ફરિયાદો પૈકી ૫૦ ટકા ફરિયાદોનો પણ ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે હાલની સ્થિતિએ પાટનગરમાં રાત્રીના સમયે ગ્રામ્યવિસ્તાર જેવો માહોલ સર્જાય છે. અડધુ ગાંધીનગર અંધારપટ્ટમાં ગરકાવ થઇ ગયું છે ત્યારે અંધારાને કારણે રાત્રીના સમયે નીશાચરનો ભય પણ નગરજનોને સતાવી રહ્યો છે.