આખરે મોડી સાંજે ચિદમ્બરમની ધરપકડ કરતી સી.બી.આઈ ટીમ

386

આ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ તેમની સામે લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્‌યું હતું. જોકે, હવે તેઓ કોંગ્રેસના વડામથક ખાતે જોવા મળતાં સીબીઆઈની ટીમ ત્યાં પહોંચી છે અને તેમની ધરપકડ કરી શકે છે.

આઈએનએક્સ મીડિયા કેસમાં લાંચના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી રહી છે. તેમના ઉપર ધરપકડનું સંકટ અકંબધ રહ્યું છે. ચિદમ્બરમની આગોતરા જામીન માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારના દિવસે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી હાઈકોર્ટ તરફથી તેમની વચગાળાની જામીન અરજીની ફગાવી દેવામાં આવ્યા બાદ પૂર્વ નાણાંમંત્રીની વકીલોની ટીમની દોડધામ વધી ગઈ હતી. આજે દિવસમાં સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ચિદમ્બરમના ૧૧ વકીલોની ટીમે સીજેઆઈ સમક્ષ રજુઆત કરી હતી. હવે આ મામલાની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ૨૩મી ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. ચિદમ્બરમના વકીલ ઈચ્છતા હતા કે, સુપ્રીમ કોર્ટમાં આજે જ આ મામલા પર સુનાવણી કરવામાં આવે અને તેમની ધરપકડ પર સ્ટે મળી જાય પરંતુ આ બાબત શક્ય બની ન હતી. જસ્ટિસ રમનાની પીઠે કહ્યું હતું કે, આ કેસ લિસ્ટિંગમાં નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ તરફથી રજુઆત કરતા વરિષ્ઠ વકીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પૂર્વ નાણામંત્રીની ધરપકડ પર સ્ટે મુકવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના અસીલ કોઈ જગ્યા ભાગી રહ્યા નથી.

જોકે, આના પર કોર્ટે કહ્યું હતું કે, અરજી કરનારની અપીલ ખામી વાળી છે. તેની ખામી દુર થયા બાદ જ લિસ્ટિંગ માટે મોકલી શકાય છે. ચિદમ્બરમ મંગળવારના દિવસથી જ લાપતા થયેલા છે. તેમના અન્ડગ્રાઉન્ડ થવાના લઈને જુદા જુદા અહેવાલ આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં શુક્રવારના દિવસે સુનાવણી થવાની બાબતથી જ સ્પષ્ટ થયું છે કે, તેમના ઉપર હજુ પણ ધરપકડની તલવાર તોળાઈ રહી છે. મંગળવારના દિવસે હાઈકોર્ટે તેમની જામીન અરજીને ફગાવી દીધા બાદથી જ ચિદમ્બરમ લાપતા થયેલા છે. મંગળવાર સાંજે સીબીઆઈ અને ઈડીની ટીમ તેમના દિલ્હી આવાસ પર પહોંચી હતી પરંતુ તેઓ ઘરે મળ્યા ન હતા. જેથી તપાસ ટુકડી તેમના સ્ટાફની પુછપરછ કરીને પરત ફરી હતી. તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ગઈકાલે દલીલો દરમિયાન સીબીઆઈ અને ઇડીએ ચિદમ્બરમની અરજીનો એવા આધાર પર વિરોધ કર્યો હતો કે, તેમની કસ્ટોડિયલ પુછપરછની જરૂર છે. કારણ કે તેઓ પુછપરછને ટાળી રહ્યા છે. બંને તપાસ સંસ્થાઓએ કહ્યું હતું કે, નાણામંત્રી તરીકેના તેમના ગાળા દરમિયાન એફઆઈપીબી દ્વારા મંજુરી આપવામાં આવી હતી. તેના દ્વારા મિડિયા ગ્રુપને ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાના વિદેશી ફંડ મેળવવાની મંજુરી અપાઈ હતી. ઇડીએ કહ્યું હતું કે, જે કંપનીઓમાં આ નાણાં સીધીરીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સાથે સીધી અથવા પરોક્ષરીતે જોડાયેલી છે જેથી એમ માનવા માટે પુરતા કારણ છે કે, પોતાના પુત્રની દરમિયાનગીરીના આધાર પર ચિદમ્બરમે મંજુરી આપી હતી. હાઈકોર્ટે ૨૫મી જુલાઈ ૨૦૧૮ના દિવસે ચિદમ્બરમને ધરપકડથી બચવા વચગાળાનું રક્ષણ આપ્યું હતું. ત્યારબાદ સમય સમયે તેને લંબાવવામાં આવ્યા બાદ તેમને રાહત થતી રહી છે. સીબીઆઈએ આઈએનએક્સ મિડિયા કેસમાં ૧૫મી મે ૨૦૧૭ના દિવસે એફઆઈઆર દાખલ કરી હતી. એફઆઈપીબીની મંજુરીમાં ગેરરીતિ ખુલ્યા બાદ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ૨૦૧૮માં ઇડી દ્વારા પણ મની લોન્ડરિંગ કેસ દાખલ કરાયો હતો.

Previous articleકલમ ૩૭૦ને દુર કરી દેવામાં આવ્યા બાદ પ્રથમ અથડામણ
Next articleઉત્તરપ્રદેશ : યોગી કેબિનેટનુ વિસ્તરણ, ૧૮ નવા ઇન થયા