જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો આપતી લમ ૩૭૦ની નાબુદી બાદ રાજ્યમાં પ્રથમ અથડામણ ત્રાસવાદીઓ સાથે થઇ છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ બે સપ્તાહ પછી થયેલી પ્રથમ અથડામણમાં એક એસપીઓ શહીદ થયા છે. ત્રાસવાદીને પણ ઠાર કરવામાં આવ્યો છે. પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે ઉત્તરીય કાશમીરના બારામુલા ક્ષેત્રમાં મંગળવારે મોડી રાત્રે આ અથડામણની શરૂઆત થઇ હતી. જે આજે સવાર સુધી ચાલ હતી. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદી પાસેથી મોતનો મસાલો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસ જવાન શહીદ થતા પોલીસ કાફલામાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. અન્ય એક પોલીસ જવાન ઘાયલ થયા છે. ત્રાસવાદીની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. સીઆરપીએફ, સેના અને જમ્મુ કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ ઓપરેશન સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યુ હતુ. આ સંયુક્ત ઓપરેશન બેથી ત્રણ ત્રાસવાદીઓ ફસાયા હતા. મોડે સુધી ગોળીબારનો દોર ચાલ્યો હતો. બારામુલા પાટનગર શ્રીનગરથી આશરે ૫૪ કિલોમીટરના અંતરે સ્થિત છે. અથડામણ દરમિયાન ગોળી લાગવાથી ઘાયલ થયેલા એસપીઓ બિલાલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન અન્ય ઘાયલ થયેલા એસઆઇ અમરદીપ પરિહારને આર્મી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
કાશ્મીરમાં કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ કાશ્મીરમાં સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. હિંસાગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં સ્થિતી સામાન્ય કરવા માટે હવે લાગુ કરવામાં આવેલા નિયંત્રણોને હળવા કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં સ્થાનિક લોકોમાં વિશ્વાસ પુન સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.