કોઈ પક્ષમાં જોડાઈને નામના હલકી કરવા ઈચ્છતો જ નથી

487

ભાજપના ભારતીય સદસ્યતા વૃદ્ધિ અભિયાનને આજે એક મોટો ફટકો પડ્‌યો હતો. હજુ બે દિવસ પહેલાં જ મોટા ઉપાડે ગુજરાતના અનેક લોક કલાકારોને ભારે તામ-ઝામ સાથે પક્ષમાં જોડાવાનો ભાજપે કાર્યક્રમ કર્યો હતો તેની ભીતરની પોલ જાણીતા ભજનિક અને લોકગાયક હેમંત ચૌહાણે ખોલી નાંખતા ગુજરાતના રાજકારણમાં ભારે ચકચારમ મચી ગઇ છે. હેમંત ચૌહાણે બુધવારે એક વીડિયો જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે, તે ભાજપમાં જોડાયા નથી કારણ કે તે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈને તેમની નામના હલકી કરવા માગતા નથી. હેમંત ચૌહાણે આ વીડિયોમાં જણાવ્યું છે કે, તેઓ લોકગાયક અને ભજનિક છે અને ભાજપની સિદ્ધિઓ બદલ તેઓ અન્ય સિનિયર ગાયકો અને સંગીતકારો તથા લોક કલાકારો સાથે મળીને અભિનંદન પાઠવવાના કાર્યક્રમમાં ગયા હતા. પરંતુ ત્યાં તેમનું સન્માન કરીને એવી જાહેરાત કરી નાંખવામાં આવી કે તેઓ ભાજપમાં જોડાયા છે. આવું કાંઈ નથી કારણ કે તેઓ તો લોક કલાકાર છે અને તેઓ કોઈ એક પક્ષની વિચારધારાને વરેલા નથી. તેમને મન તો તેમના ચાહકો જ સર્વસ્વ છે અને તેઓ તો ચાહકોના દિલોમાં બિરાજમાન રહેવા માગે છે. કલાકારોનું જાહેરમાં અને રાજકીય પક્ષો દ્વારા સન્માન થવું એ બહુ સામાન્ય બાબત છે, એમ જણાવી હેમંત ચૌહાણે ઉમેર્યું હતું કે, અગાઉ કોંગ્રેસની સરકાર વખતે પણ તેમના સહિત બીજા ઘણા કલાકારોના સન્માન થતા હતા. તો તેનો મતલબ એવો તો નથી થતો કે તેઓ તથા અન્ય કલાકારો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કોઈ રાજકીય પક્ષમાં જોડાઈને તેઓ પોતાની નામનાને હલકી કરવા માગતા નથી. હેમંત ચૌહાણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, તેઓ આજીવન ભજનિક અને કલાકાર રહેવા જ માગે છે કારણ કે તેઓ ભજન માટે જ જન્મ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, હું તો મારા ચાહકોના દિલોમાં રહેવા માગું છું માટે કોઈ એવી જાહેરાત કરે કે હું તેમના પક્ષમાં જોડાઈ ગયો છું તો મારા કોઈ ચાહકે તે વાતનો વિશ્વાસ કરવો નહીં. તેનું કારણ છે કે કલાકારોનો કોઈ પક્ષ નથી હોતો અને હું તો માણસનો માણસ છું. ઉલ્લેખનીય છે કે, હજુ બે દિવસ પહેલાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના જાણીતા લોકસાહિત્ય કલાકારો, સંગીતકારો, લોકગાયક-ગાયિકા તથા ગુજરાતી ફિલ્મોના અભિનેતા-અભિનેત્રી ભાજપમાં જોડાયાં હતા. જેમાં હેમંત ચૌહાણ, બંકિમ પાઠક, ભાવનાબેન લાબડીયા, સંગીતાબેન લાબડીયા, બિહારી હેમુભાઇ ગઢવી, ધનરાજભાઇ ગઢવી, અમુદાન ગઢવી, કિરીટદાન ગઢવી, શ્યામલ મુન્શી-સૌમિલભાઇ સહિતના કલાકારોનો સમાવેશ થતો હતો. પરંતુ હેમંત ચૌહાણના યુ ટર્ન બાદ ગુજરાત રાજકારણમાં જોરદાર ચર્ચા જગાવી દીધી છે તે વાત નક્કી છે.

Previous articleડાકોરમાં ખાતે જન્માષ્ટમી પર્વ ધામધૂમથી ઉજવાશે : લાલનજીને સોનાના પારણે ઝુલાવાશે
Next articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં લઘુરૂદ્રિ