છે તો બધા પાસે પણ ઈચ્છા ને સ્વાર્થ મુજબ વપરાય છે સમય..

1430
bvn2722018-4.jpg

એક વાક્ય આપણે સૌ કોઈએ સાંભળેલું હશે જ કે “સમય સમયને માન છે” અને આ સાચી વાત પણ છે. સમયને જ માન છે. ભૂતકાળમાં જુઓ કે વર્તમાન સમય જેનો સારો તેની આસપાસ બધું સારૂ અને સમય બગડે એટલે સાચા રંગ લોકોના બહાર આવવા લાગે જે રીતે અનુભવ જીવનની શ્રેષ્ઠ શાળા છે તે જ રીતે સમય એ અનુભવની જનની છે. સારો ખરાબ બંને સમય દરેક મનુષ્યના જીવનમાં આવે જ છે. પરંતુ તે બન્ને સમયમાં કઈ રીતે જીવ્યો હું , શું શીખી શક્યો તે અગત્યનું છે. 
દરેક સમયની પોતાની આગવી સુંદરતા છે. આપણે માત્ર તેને જાણવાની છે અને માણવાની છે. સારો-નરસો તમામ સમય આપણને સરસ સબક શીખવી જતો હોય છે. આપણે માત્ર એ તમામ સમયને સાચવતા, પચાવતા, જીવતા, જીરવતા આવડવું જોઈએ, શીખવું જોઈએ. તે પણ પ્રેમ, વિશ્વાસ, ચતુરાઈ, અને વિવેક બુદ્ધિ દ્વારા. 
જીવનયાત્રાનો સૌથી સુંદર અને સુખી સમય એક માત્ર આપણું બાળપણ. એ સમયમાં જ્યારે આપણે જીવતા હોઈએ ત્યારે આપણને તેનું મૂલ્ય શું છે એની સમજ હોતી નથી અને સમજ પડે ત્યારે તે સમય ઘણો દૂર ચાલ્યો ગયો હોય છે. તેમ છતાં આપણે એ સમયનો આંશિક આનંદ તો લઈ જ શકીએ. હવે તમને મનમાં પ્રશ્ન થશે એ વળી કઈ રીતે ? તો તેનો ઉત્તર છે આપણા સંતાનો દ્વારા અને આપણા મોટા થયેલા શરીરમાં રહેતા મન-મગજને બાળક જેવા નિખાલસતાથી જીવંત રાખીને. અત્યારના યુગમાં કારણ વગરની હરિફાઈઓ ખૂબ વધી ગઈ છે.આ યુગમાં ટકી રહેવા આગળ વધવા સફળ બનાવવા આપણે આપણા બાળકોને જાણે આ હવનમાં હોમી દઈએ છીએ. એમને આ બધી વાત માટે તૈયાર કરવાના જ છે અને આપણી ફરજ મુજબ કરવા જ જોઈએ પણ તેમના બાળપણની જે મજા, મસ્તી, તોફાન, ઉત્સુકતાઓ, જિજ્ઞાશાઓનું ગળું ઘોંટી ને નહિ.થોડુંક તોફાન-મસ્તી પણ જરૂરી છે. યાદ કરો આપણે બધાએ પણ કરેલા જ છે. જેને યાદ કરીને આપણને હસવું આવે અને મોજ પણ આવે. શિસ્ત જરૂરી છે પણ તે જીવનને વ્યસ્ત, ઉદાસ, થાકેલું બનાવી દે એવી ન હોવી જોઈએ. અત્યારના બાળકો પણ મોબાઈલ કે અન્ય આધુનિક સાધનોનો ઉપયોગ જ રમતમાં કરે છે તો તે સદંતર ખોટું જ છે. પણ એમને આ બધું પકડાવનાર, સુવિધા આપનાર આપણેજ છીએ પછી વાંક બાળકોનો કાઢીએ છીએ.
ઉંમર ઉંમરનું કામ કરતી જ હોય છે દોસ્ત ! આપણે તો માત્ર તે ઉંમરના સમયને સુખદાયી રીતે યાદગાર બની રહે તેવો બનાવવાનો છે. અમૂલ્ય બાળપણ પછી આવે છે થનગનતી યુવાનીનો સમય જોમ-ઉત્સાહથી ભરેલા યુવક-યુવતીઓ જે મનમાં ધારે તે આસમાની સફળતાઓ પામી શકે તેવી અપાર શક્તિ ધરાવતા હોય છે. જરૂર છે હકારાત્મક સોચ, સાચી દિશાની, યોગ્ય માર્ગદર્શનની જો આ યુવાનીના સમયને સાચવતા ન આવડ્યું તો જિંદગીભર પસ્તાવાનો વારો આવે છે. વડિલો કહી ગયા છે “યુવાનીનું નાણું તે ઘડપણનું ભાણું” યુવાનીના સમયમાં જે કઈ આપણા વિવેક બુદ્ધિ ચાતુર્યથી કમાઈએ…ને હા માત્ર રૂપિયા જ નથી કમાવાના નીતિના પૈસાની સાથે ઈજ્જત, પ્રેમ, માન-સમ્માન, પરિવાર, મિત્રો, આવડત, અનુકૂળ બનવાની કળા વગેરે બધીજ સારી બાબતો આપણે યુવાનીમાં કમાવાની છે. અને એ જ સાચી મૂડી આપણા ઘડપણના સમયમાં કામ આવશે અને આવે જ છે.
વૃદ્ધાવસ્થામાં પણ પોતાની મજા છે.ઘરડા તો સૌ કોઈ ઉંમર સાથે થવાનાં જ પણ જેના જ્ઞાન અને અનુભવમાં ઉંમર સાથે વૃદ્ધિ થાય તેને વૃદ્ધ કહેવાય. આખી જિંદગી ભાગ-દોડ કરી કમાયા અને જે અનુભવો મેળવ્યા છે એ અનુભવની આપણી પેઢીને ભેટ આપવી પણ હા સ્વમાન સાથે જ. અત્યારના સમયમાં કોઈને સલાહ સાંભળવી ગમતી નથી પણ આપવી ગમે છે. આપણું સ્વમાન સાચવીને વૃદ્ધાવસ્થામાં મૌન જાળવીને રહેવું. મૌનની પણ એક પોતાની મજા છે. માનસિક શાંતિ મળે, પ્રભુસ્મરણ થાય અને આનંદ-આનંદ. જ્યાં જેને તમારા અનુભવની જરૂર પડે અને આવકાર્ય હોય ત્યાં જ આ અનુભવ રસ રેડવો. કારણ , પાત્ર કાણું હશે તો એમાં રેડવામાં આવતું અમૃત પણ મૂલ્ય વગરનું થઈને ઢોળાઈ જ જાય છે. 
ખુદ માટે સમય કાઢીને મનગમતું કામ કરવું પરિવારને સુખી સમય આપવો મિત્રોના પ્રેમને માન આપવા બે ઘડી મળી લેવું અને મોજ કરવી. આવું બધું કરવાથી આવો કિંમતી સમય પસાર કરવાથી જીવનમાં તાજગી આવી જશે અને બે-ત્રણ ગણું વધુ અને ઉત્તમ કામ સારા પરિણામ સાથે કરી શકશો. અંતે એક વાત ચોક્કસ કહીશ કે જાત સહિત બધાને બધી રીતે સમય આપવો પણ જેણે આ અમૂલ્ય જીવન આપ્યું છે તેને અમૂલ્ય સમય આપવાનું ભૂલશો નહિ. અંત સમયે આપણો ઉદ્ધાર તો હરિ સ્મરણ કરેલો સમય જ કરશે. 

Previous articleભાવનગરના ૪ યુવા તેજસ્વી તારાલઓનું કરાશે બહુમાન
Next articleસેવાભાવી પિતા-પુત્રએ દરિદ્ર ભિક્ષુકનો જીવ બચાવ્યો