શહેરના સર.ટી.હોસ્પિટલમાં એક અજાણ્યો વૃધ્ધ ભીક્ષુક બિમારી અને શારિરીક અસમર્થતા વચ્ચે અપાર યાતના વેઠી રહ્યો હોય જેને જાણીતા સેવા ભાવી યુવાને ઉગારી તબીબી સારવાર સાથે આત્મીયતાની હુફ ખારા સાંપ્રત સમાજને નવોરાહ ચિધ્યો છે.
ભાવનગર શહેર મધ્યે આવેલ સર તખ્તસિંહજી આરોગ્ય ધામ ખાતે આવેલ મેઈન ગેટ પાસે સવારથી એક આશરે ૬૫ વર્ષથી વધુ વય ધરાવતા અને અજાણ્યા ભીક્ષુક જેવા વ્યક્તિ રોગ તથા શારિરીક પિડાથી કણસી રહ્યા હતા દિવસભર સર ટી હોસ્પિટલના સત્તાવાળાઓ તથા દર્દીઓ અને રાહદારી પાગલ જેવા દેખાતા શખ્સને જોઈ પોતાનું મો ફેરવી પસાર થઈ જતા હતા પરંતુ ‘અફાટ રણમાં મિઠી એક વિરડી’જેવુ વ્યક્તિત્વ ધરાવતા અને વિના સ્વાર્થ તથા આશા અપેક્ષા વિના માનવ જીવ સેવા એજ પ્રભુ સેવાને પોતાના જીવન સાથે વણી લેનાર સેવાભાવી યુવાન સલીમભાઈ શેખ (એમ્યુલન્સવાળા)નુ ધ્યાન વૃધ્ધપર પડતા તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેના પુત્ર અવેશ તથા ભત્રીજા તૌફીકને હોસ્પીટલમાં બોલાવી અજાણ્યા વૃદ્ધની સાર સંભાળ લીધી હતી એ સમયે આ વૃધ્ધને ખુબ વોમીટીંગ થતુ હોય પાણીવડે સાફ સફાઈ કરી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સારવાર અર્થે એડમિટ કરાવ્યા હતા.
આ બનાવની જાણ અન્ય સેવાભાવીઓ તથા મિડીયા કર્મચારીઓને થતા તેઓએ પણ માનવ સેવાના ઉમદા કાર્યમાં ભરપૂર સહયોગ આપ્યો હતો. શારિરીક રીતે અસ્વસ્થ વૃધ્ધ પેરેલીસીસ તથા અન્ય બિમારીઓના ભોગ બન્યા હોય બોલી ચાલી પણ શકતા ન હોય આથી ઓકસીજન પર રાખવામાં આવ્યા છે. આમ એમ નિખાલસ અને ઉદાર મતવાદી મસીહાના કારણે એક માનવ જીંદગી મોતના મુખમાં ધકેલાય તે પૂર્વે બચાવી માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. અત્રે નોંધનીય છે કે સલીમ ભાઈ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દિન દુઃખીયાઓને રાત દિવસ જોયા વિના શક્ય તેટલી તમામ મદદ કરે છે. અને ખરા માનવ જીવનનો મૂક સંદેશો સમાજને આપી રહ્યા છે.