આઇએનએક્સ મિડિયા મામલામાં બુધવારની રાત્રે નાટ્યાત્મક રીતે ધરપકડ કરવામાં આવ્યા બાદ રાત્રી ગાળા દરમિયાન પુછપરછનો દોર ચાલ્યો હતો. રાત્રી ગાળા દરમિયાન ગૃહ અને નાણાં પ્રધાન રહી ચુકેલા ચિદમ્બરમને સીબીઆઇના અધિકારીઓ દ્વારા ઇન્દ્રાણી અને પીટર મુખર્જીને લઇને પ્રશ્નો કર્યા હતા. જો કે ચિદમ્બરમે આ ગાળા દરમિયાન પણ પ્રશ્નોના જવાબ યોગ્ય રીતે આપ્યા ન હતા. કેટલાક પર જવાબી સવાલ પણ કર્યા હતા. ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવ્યા બાદ તેમને મોડી રાત્રે સીબીઆઇ હેડક્વાર્ટર પર લઇ જવામાં આવ્યા હતા. તેમને ડિનર માટે પણ પુછવામાં આવ્યુ હતુ. જો કે ચિદમ્બરમે કોઇ પણ ભોજન કરવાનો ઇન્કાર કર્યો હતો. મિડિયા રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો ચિદમ્બરમે રાત્રી ગાળા દરમિયાન ભય લાગે છે તેવા બહાના કરતા હવાલાતમાં જવાનો ઇન્કાર કર્યો હતો. સીબીઆઇના એક અધિકારી તેમની સાથે રાત્રી ગાળા દરમિયાન રોકાયા હતા. એફઆઇપીબીના નિયમોમાં ફેરફારના નિયમોનો કેમ વિરોધ કરાયો ન હતો , કાર્તિ અને ઇન્દ્રાણીની મુલાકાત કઇ રીતે થઇ હતી, લાંચ કાંડના પૈસા ક્યાં અને કઇ રીતે ગયા તેવા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. ચિદમ્બરમની સામે કેટલાક વિકલ્પ રહેલા છે. અત્રે નોંધનીય છે કે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જોકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી. કોંગ્રેસના કાર્યકરોની સાથે મારામારી પણ થઈ હતી. ઘણા સમય સુધી હાઈડ્રામાબાજીનો દોર ચાલ્યો હતો. સ્થિતિને સામાન્ય બનાવવા પોલીસને મદદ લેવામાં આવી હતી. તે પહેલા ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડને ટાળવા ૪૮ કલાકથી વધુ સમય સુધી લાપતા રહ્યા બાદ પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ બુધવારના દિવસે મોડી સાંજે કોંગ્રેસ હેડઓફિસ પહોંચ્યા હતા. ચિદમ્બરમે પોતે ફરાર હોવાના અહેવાલને રદિઓ આપતા કહ્યું હતું કે, તેમને અને તેમના પુત્ર કાર્તિને ફસાવવામાં આવી રહ્યા છે. ગઇકાલે દિવસભર ઘટના ક્રમનો દોર ચાલ્યો હતો. ચિદમ્બરમની આગોતરા જામીન માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારના દિવસે સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટ તરફથી તેમની વચગાળાની જામીન અરજીની ફગાવી દેવામાં આવ્યા બાદ પૂર્વ નાણાંમંત્રીની વકીલોની ટીમની દોડધામ વધી ગઈ હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ચિદમ્બરમના ૧૧ વકીલોની ટીમે સીજેઆઈ સમક્ષ રજુઆત કરી હતી. હવે આ મામલાની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે ૨૩મી ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. સીબીઆઇની ટીમ અને ઇડીની ટીમ જુદા જુદા મામલામાં તપાસ કરવાની દિશામાં આગળ વઘી રહી છે. હવે તેમને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવનાર છે. આના માટે તર્ક તૈયાર છે.