સંસદના બંન્ને ગૃહમાં ઐતિહાસિક ત્રિપલ તલાક બીલ પસાર થઈ ગયું પરંતુ હજુ સુધી આ બિલનો સત્તાવાર કાયદાનો અમલ પોલીસ ન કરી શકતી હોવાથી શહેરની મહિલાને નિરાશ થવું પડ્યું હતું. પિયર ન જવા દઈને સતત તલાકની ધમકી આપ્યા બાદ ફોન પર જ તલાક આપી દેનારા પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાની ફરિયાદ ત્રિપલ તલાક કાયદા પ્રમાણે પોલીસ ન લઈ શકતાં મહિલાએ નિરાશ થવું પડ્યું હતું.
મહિલાએ પોલીસ સ્ટેશન બહાર જણાવ્યું હતું કે, તેનો પતિ તેને સતત માનસિક ત્રાસ આપતો હતો. મહિનાઓ સુધી પિયર જવા દેતો નહોતો. સતત ડરથી જીવતી હતી અને એક દિવસ છોડવા માટે આવ્યો હતો બાદમાં સાંજે ફોન કર તલાક આપી દીધા હતાં. જેથી મહિલા ન્યાય મેળવવા માટે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચી હતી. પરંતુ હજુ ત્રિપલ તલાક પ્રમાણે ફરિયાદ ન લઈ શકવાની પોલીસે વાત કરતાં મહિલાને પરત ઘરે જવું પડ્યું હતું.મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિ વિરૂધ્ધ ત્રિપલ તલાકની જગ્યાએ દહેજ ધારા હેઠળ ગુનો નોંધવાની પોલીસે તૈયારી દર્શાવી હતી. જો કે આ કાયદામાં તો તેના પતિને આસાનીથી જામીન મળી જાય તેમ હોવાથી મહિલા અરજી આપીને જતી રહી હતી અને કાયદો અમલમાં આવે પછી ગુનો નોંધાવવાની વાત કરી હતી.