વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં દોઢ વર્ષ પહેલાં થયેલી વિક્કી કનોજીયા નામના યુવાનની હત્યાના કેસમાં વડોદરા કોર્ટે આરોપી રાજુ પવાર તેના બે પુત્રો વિશાલ અને ધવલ અને ભાણીયા અક્ષય બોરાડેને દોષિત ઠેરવ્યા છે. અને ચારેયને આજીવન કેદની સજા ફટકારી છે. અને કોર્ટે દરેક આરોપીઓએ અલગ-અલગ ૨૭,૬૦૦ રૂપિયા મૃતક યુવાનની માતાને ચૂકવવાનો આદેશ કર્યો છે.
૨૬ માર્ચ, ૨૦૧૮ના રોજ રાત્રે ૧૧ઃ૩૦ વાગ્યે વિક્કી કિશોર કનોજીયા(રહે, વાડી કુંભારવાડા), જયદિપ ઠક્કર સહિતના મિત્રો વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ગોમતીપુરામાં ક્રિકેટ રમી રહ્યા હતા. આ સમયે રાજુ પવાર તેનો પુત્ર વિશાલ અને ધવલ અને ભાણીયો અક્ષય બોરાડે બાઇક અને એક્ટિવા પર બેસીને તલવારો લઇને ધસી આવ્યા હતા અને વિક્કી પર તલવારો વડે હુમલો કર્યો હતો. જેથી વિક્કીની આંગળીઓ કપાઇ ગઇ હતી. જેથી તે ત્યાંથી ભાગ્યો હતો.
ગંભીર ઇજાઓ થવાના કારણે વિક્કી કનોજીયાને તત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું.
જયદીપે પોતાના નિવેદનમાં પોલીસને જણાવ્યું હતું કે, ધૂળેટીના દિવસે ધવલ પવાર અને વિક્કી વચ્ચે પુરઝડપે બાઇક ચલાવાના મુદ્દે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં આ હત્યા કરાઇ હતી.
આ કેસમાં વડોદરા કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજ એ.સી. જોષીએ ચારેય આરોપીઓને આજીવન કેદની સજાનો આદેશ આપ્યો છે. જોકે સરકારી વકીલ કે.પી. ચૌહાણે ચારેય આરોપીઓને ફાંસીની સજાની માંગણી કરી હતી. જોકે આજીવન કેદની સજા થતાં સરકારી વકીલ હવે હાઇકોર્ટમાં અપીલ કરશે.