તહેવારો અને પાણીજન્ય રોગચાળાને પગલે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજ્યના તમામ જિલ્લામાં કાર્યવાહી શરૂ કરી છે. ફરાળીના નામે ભેળસેળિયો ખોરાક વેચતા દુકાનદારો સામે લાલ આંખ કરી છે. જેને પગલે ૯૩ પેઢીમાંથી ૧૧૨ જેટલા નમૂના લેવામાં આવ્યા અને આ તમામ નમૂના રિપોર્ટ માટે મોકલી આપ્યા છે. જ્યારે પાણીજન્ય અને ખુલ્લો ખોરાક આરોગવાથી રોગ ન થાય તેના માટે ખોરાક ઢાંકીને વેચાણ કરવા અનુરોધ કર્યો છે. જ્યારે પાણીપુરી જેવી વસ્તુઓ પણ હાઈજેનિક રીતે બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, ગત વર્ષની જેમ જરુર પડ્યે ડ્રાઈવ પણ કરાશે.
આ સિવાય ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બ્લડ પ્રેશરની નકલી દવાઓનું વેચાણ કરતી એજન્સીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. જયપુરથી દર્શ ફાર્મા દ્વારા ડીસ્પેચ કરવામાં આવેલી દવાને પગલે અમદાવાદની બે પેઢી પર રેડ કરી ૫૦ હજાર સ્ટ્રિપ જપ્ત કરી છે. જ્યારે અમદાવાદની આરાધ્યા મેડીકલ એજન્સી અને શારદા મેડિકલ એજન્સી પર પણ કાર્યવાહી કરી અંદાજે રૂ.૩ લાખની દવા જપ્ત કરી છે.