પાટનગરમાં ૧૦૦ આખલાનો અડ્ડો છતાં તંત્ર પકડવામાં નિષ્ફળ

505

ગાંધીનગર શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન રખડતાં પશુઓનો ત્રાસ વધી રહયો છે ત્યારે સર્વે પ્રમાણે ગાંધીનગરમાં હાલ અલગ અલગ સેકટરોમાં મળી કુલ ૧૦૦ જેટલા આખલાઓએ અડ્ડો જમાવ્યો છે. ત્યારે કોર્પોરેશનની ઢોરપકડ પાર્ટી ફકત ગાયોને જ પકડી સંતોષ માને છે. રોડ ઉપર અકસ્માતમાં કારણભુત એવા આખલાઓને પકડવા માટે કોઈ રસ દાખવવામાં આવતો નથી. જે મામલે માલધારી સમાજે પણ કોર્પોરેશન તંત્રને રજુઆત કરી છે અને આખલાઓને પકડવા માંગણી કરી છે.

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં હાલ રખડતાં પશુઓનો ત્રાસ સતત વધી રહયો છે. કોર્પોરેશન તંત્ર દ્વારા આ રખડતાં પશુઓને પકડવા માટે ઢોરપકડ પાર્ટી દોડાવવામાં આવી રહી છે પરંતુ આ પાર્ટી ફકત શહેરમાં રખડતી ગાયોને જ પકડી રહી છે.

રખડતાં આખલાઓનું કોઈ રળીધળી નહીં હોવાથી તેમાં દંડ પણ વસુલી શકાતો નથી જેથી આખલાઓને પકડવાનું ટાળવામાં આવી રહયું છે. જેના પગલે શહેરમાં હાલ એક સેકટર દીઠ ચારથી પાંચ આખલાઓએ અડ્ડો જમાવ્યો છે.

કોર્પોરેશન તંત્રએ જ કરેલા એક સર્વે મુજબ હાલ ૧૦૦થી વધુ આખલાઓ ફરી રહયા છે જે વાહનચાલકોને તેમજ રાહદારીઓને શીંગડે ભરાવી રહયા છે. આખલાઓને પકડવા માટે તાજેતરમાં જ માલધારી સમાજે પણ કોર્પોરેશન તંત્રને રજુઆત કરી હતી અને કહયું હતું કે ઢોરપકડ પાર્ટી ખીલે બાંધેલી ગાયોને પકડી લે છે પરંતુ શહેરમાં રખડતાં આખલાઓને પકડવામાં આવતા નથી.

જે અકસ્માતો પણ નોતરી રહયા છે. ત્યારે કોર્પોરેશનના સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ઢોરપકડ પાર્ટીમાં હાલ ઓછા કર્મચારીઓ હોવાના કારણે આ માટેલા સાંઢ પકડી શકવાની સ્થિતિમાં નથી. એટલે તેમને પકડવામાં જ આવતા નથી. ત્યારે કોર્પોરેશને ગાંધીનગર શહેરમાં નો કેટલ ઝોન જાહેર કરી જાહેરનામું પણ બહાર પાડેલું છે તે પણ ઢોરપકડ પાર્ટીની આ ઢીલી નીતીના કારણે કાગળ ઉપર જ રહી ગયું છે. આખલાઓને પકડવા યોગ્ય કાર્યવાહીની નગરજનો રાહ જોઈ રહયા છે.

Previous articleપથારીવશ યુવકે પૈસા માટે મિત્રને દરરોજના ૨૦૦૦ રૂપિયા લેખે ઘરમાં જુગાર રમવા જગ્યા ભાડે આપી
Next articleતહેવારને પગલે તમામ જિલ્લાઓમાં ભેળસેળિયો ખોરાક વેચતા વેપારીઓ સામે કાર્યવાહી, ૧૧૨ નમૂના લેવાયા