વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ, યુએઈ અને બહેરીનની ઐતિહાસિક યાત્રા શરૂ થઈ હતી. ત્રણ દેશોની યાત્રા દરમિયાન અનેક મહત્વપૂર્ણ સમજુતી કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત મોદી જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેનાર છે. ફ્રાન્સના પાટનગર પેરિસમાં સૌથી પહેલા તેમના કાર્યક્રમની શરૂઆત થશે. ફ્રાન્સના શહેર બિયરિત્સમાં જી-૭ સમિટમાં તેઓ ભાગ લેશે. મોદી આજે પેરિસ પહોંચી ગયા બાદ તેમના કાર્યક્રમની શરૂઆત થઈ હતી. તેમની બીજી અવધિમાં મોદીની આ પ્રથમ યુરોપિયન યાત્રા છે. આનાથી ભારત અને ફ્રાન્સના સબંધો વધારે મજબુત થશે. હાલના સમયમાં ભારત અને ફ્રાન્સ એકબીજાની ખુબ નજીક આવ્યા છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રો જ્યારે ભારત આવ્યા ત્યારે હિન્દમહાસાગરની સુરક્ષાને લઈને સમજુતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મોદી આવતીકાલે શુક્રવારના દિવસે યુએઈ પહોંચશે જ્યાં તેમને યુએઈનું સૌથી મોટુ સન્માન જાયેદ મેડલ મળશે. ફ્રાન્સ પહોંચ્યા બાદ મેન્ક્રો પેરિસથી ૬૦ કિમી દૂર ઓઈઝમાં આવેલા ૧૯મી સદીના શેટો ડી ચેંટિલીમાં મોદી માટે ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોતાની યાત્રા દરમિયાન મોદી ફ્રાન્સમાં ભારતીય ગ્રૂપના લોકોને પણ સંબોધિત કરનાર છે. તે ઉપરાંત તેઓ નીડ ડી એગલમાં એર ઈન્ડિયા ક્રેશમાં મૃત્યુ પામેલા ભારતીયોની યાદમાં સ્મારકનું ઉદ્ધાટન કરનાર છે. ભારતમાં ફ્રાન્સના રાજદૂત એલ્કેઝાન્ડ જીગલરે ટિ્વટ કર્યું છે કે, મોદી અને મેન્ક્રો વચ્ચે દ્વીપક્ષીય શિખર સંમેલન વિશે શેટો ડી ચેંટિલી સંપૂર્ણ રીતે તૈયાર છે. તે ફ્રાન્સની સાંસ્કૃતિક વારસામાંથી એક છે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, ફ્રાન્સ દ્વીપક્ષીય યાત્રા અને જી-૭ શિખર સંમેલનમાં ભારતના સામેલ થવાથી બંને દેશોના સંબંધોને મજબૂતી મળશે.
યાત્રા દરમિયાન વિજ્ઞાન, જળવાયુ પરિવર્તન, ફાઈનાન્સ, ગ્રીન ટેક્નોલોજીમાં સહયોગ, ડિજીટલ અને સાઈબરસ્પેસ જેવા નવા વિસ્તારોમાં ભાગીદારી જેવી સમજૂતી પર મુખ્ય ભાર રહેશે. રાષ્ટ્રપતિ મેન્ક્રોના આમંત્રણથી મોદી બિયારેટ્ઝ શહેરમાં થનારી જી-૭ શિખર સંમેલન બેઠકમાં સામેલ થશે. આ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, દરિયાઈ સહયોગ અને ડિજીટલ પરિવર્તન જેવા મુદ્દાઓ પણ તેમની વાત રજૂ કરશે. ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો પણ દિનપ્રતિદિન વધુને વધુ મજબુત બની રહ્યા છે. આવી સ્થિતિમાં મોદીની યાત્રા પર તમામની નજર કેન્દ્રિત થઈ છે.