બાબાસાહેબની પ્રતિમા પરથી ચશ્માની ફ્રેમ કોઈ કાઢી ગયું

673

અમદાવાદ શહેરના વાડજના રામદેવપીરના ટેકરા પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરથી કોઈ અજાણ્યો શખ્સ ચશ્માની ફ્રેમ કાઢી ગયો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર દલિત સમુદાયમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. દલિત સમુદાયની લાગણી દુભાતાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક દલિત આગેવાનો અને સમાજના અન્ય લોકો ત્યાં એકત્ર થઇ ગયા હતા. દલિત સમુદાય તરફથી સમગ્ર મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કસૂરવારને પકડી સખત કાર્યવાહી કરવા અને આ મામલે ફરિયાદ નોંધી પગલાં લેવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. જેને લઇ સમગ્ર મામલો ગરમાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના વાડજના રામદેવપીરના ટેકરા પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરથી કોઈ અજાણ્યો શખ્સ ચશ્માની ફ્રેમ કાઢી ગયો હતો. જે બાબત સ્થાનિક રહીશોની નજરમાં આવતાં દલિત સમુદાય સુધી વાત પહોંચી હતી. દલિત સમુદાયના લોકો ખૂબ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. એટલું જ નહી, દલિત સમુદાય દ્વારા વાડજ પોલીસ સ્ટેશન પીઆઈને રજૂઆત કરી આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવા અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને પણ આવેદનપત્ર આપવા માટે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા…ના જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતાં. દલિત સમુદાયના દેખાવો અને વિરોધ પ્રદર્શનને લઇ મામલો ગરમાયો હતો.

Previous articleસોમનાથ મંદિરનાં ૧૫૦૦થી વધુ કળશોને સોનાથી મઢાશે
Next articleCM રૂપાણીએ લોકમેળાનો પ્રારંભ કરાવ્યો