સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત રાજકોટના મલ્હાર લોકમેળાનું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. પાંચ દિવસ ચાલનાર મેળામાં આશરે ૧ હજાર સ્ટોલ અને ૫૦ જેટલી યાંત્રિક રાઈડ્સ સમાવેશ કરાયો છે. ભારતીય પરંપરા અનુસાર ભગવાન ગણેશની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને મેળાની શરૂઆત કરવામાં આવી હતી. લોકમેળો શરૂ થતાંની સાથે જ પ્રજાજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. ૫ દિવસનાં આ લોકમેળામાં ૧૫ લાખ જેટલા લોકો આવે તેવી શક્યતા છે.આ લોકમેળાને તંત્ર દ્વારા ટોબેકો ફ્રી જાહેર કરવામાં આવ્યો હોવા છતાં મેળામાં તમાકુ વાળા મસાલાનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. માત્ર એટલું જ નહીં, મેળાના પ્રારંભ નાના બાળકો ટોબેકો, મસાલા અને સિગરેટ વેચતા હોવાનું સામે આવ્યું છે.મલ્હાર લોકમેળાની ઉજવણી શાંતિ અને સુખમય રીતે થાય તે માટે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ તંત્રની ૭૮ અધિકારી તથા ૧૩૭૩ કર્મચારીની ટીમ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં ફરજ બજાવશે. આતંકી હુમલાની શંકાને આધારે મલ્હાર મેળામાં સુરક્ષા વ્યવસ્થાને જાળવી રાખવા ૨૪ કલાક પોલીસ કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે. સીસીટીવી કેમેરાને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ સાથે જોડીને સુપર વિઝન કરાશે. ૧૪ માઉન્ટેડ પોલીસ દ્વારા સમગ્ર મેળા ફરતે પેટ્રોલિંગ કરવામાં આવશે. મલ્હાર મેળા બંદોબસ્તની ફાળવણી આ વર્ષે ઇ બંદોબસ્ત દ્વારા કરવામાં આવી છે તેમજ મેળામાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મશીનથી હાજરી પૂરવામાં આવશે.
રાજકોટના લોકમેળામાં પ્રથમ વખત વિદેશી ટેકનોલોજોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમવાર ૪જી વોકી ટોકીનો ઉપયોગ થશે. વોકી ટોકીમાં વીડિયો કોલિંગ સાથે વાતચિત થશે. મહત્વનું છે કે ગત વર્ષે ઇઝરાયલ સિક્યુરિટીનો ઉપયોગ મેળામાં કરવામાં આવ્યો હતો.