ભાવનગરના સિહોર ગામે ગોડાઉનમાં ગઈકાલે એસઓજી અને સિહોર પોલીસે સંયુક્ત રેડ કરી અધધ ૧૬૧૬ પેટી ઈંગ્લીશ દારૂ-બિયરની સાથે એક મારવાડી શખ્સને ઝડપી લીધો હતો. જેને આજરોજ સિહોર કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરાતા નામદાર કોર્ટે ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે ગુનાનો મુખ્ય સુત્રધારને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. એસઓજી સ્ટાફ તથા સિહોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. જે.બી. પરમાર તથા સિહોર પોલીસ સ્ટાફ કામગીરીમાં હતા. દરમ્યાન એસઓજી સ્ટાફના હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. હરેશભાઈ ઉલવા તથા નીતિનભાઈ ખટાણાને સંયુક્ત રીતે બાતમી હકિકત આધારે સિહોર એકતાનગરમાં કુખ્યાત બુટલેગર જયેશભાઈ ભાણજીભાઈ મકવાણાના કબ્જા ભોગવટાના ગોડાઉનમાંથી તથા ગોડાઉનમાં બનાવેલ ખાનાઓમાંથી તથા અંડર ગ્રાઉન્ડ બનાવેલ ટાંકી (બંકર)માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કાચની-પ્લાસ્ટીકની બોટલ નંગ-૬પ૭૬૦ (પેટી નંગ-૧૬૦૭) તથા બિયર ટીન-ર૧૬ (પેટી નંગ-૯) કિ.રૂા.૯૩,૯૦,૦૦૦ સાથે આરોપી નરેશકુમાર ઉર્ફે પિન્ટુ અમરદાસ વૈષ્ણવ/સાધુ ઉ.વ.ર૭ રહેવાસી મુળ કોટ બલીયાન તા.બાલી ડિસ્ટ. પાલી રાજસ્થાન હાલ સિહોર એકતાનગર જયેશભાઈ ભાણજીભાઈ સાથે જી.ભાવનગરવાળાને પકડી પાડેલ હતો. આરોપીની પૂછપરછમાં હકિકત જાણવા મળેલ છે કે, પકડાયેલ દારૂનો જથ્થો અશોકભાઈ હિરાભાઈ મારવાડી રહેવાસી નડીયાદવાળાએ મોકલેલ હતો અને દારૂનો જથ્થો જયેશભાઈ ભાણજીભાઈ મકવાણા રહે.સિહોરવાળાનો છે અને પકડાયેલ આરોપી અશોક મારવાડી તથા જયેશ મકવાણાના માણસ તરીકે કામ કરે છે અને જે ગોડાઉનમાંથી દારૂ પકડાયેલ છે તે આરોપી જયેશભાઈ ભાણજીભાઈ મકવાણાના કબ્જા ભોગવટાનું છે.આમ એસઓજી પોલીસ તથા સિહોર પોલીસ તથા વલ્લભીપુર પોલીસે સંયુક્ત રીતે રેઈડ કરી સિહોર એકતાનગરમાંથી દારૂનો ગોડાઉન ઝડપી પાડી ભાવનગર ઈતિહાસનો મસમોટો દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી પાડેલ છે. આરોપી નરેશને આજરોજ સિહોર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે તેમ એસ.પી. માલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.