૧પ૦મી ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે એનસીસીના વડોદરા ગૃપના ૬ ગુજરાત બટાલીયન ગર્લ્સના કમાન્ડિંગ ઓફીસર કર્નલ ઉમાકાન્ત શર્મા તેમજ ૦૮ ભાઈઓ અને ૦૮ બહેનો કુલ ૧૬ એનસીસી કેડેટએ સ્વચ્ઋતા અભિયાન અંતર્ગત ધરતી બચાવો, પર્યાવરણ બચાવો, વૃક્ષ બચાવો, પાણી બચાવો, જેવા જન જાગૃતિ માટે મોટર સાઈકલ રેલી દાંડીથી શરૂઆત કરીને સુરત, વડોદરા થઈને તા. ર૧-૮ના રોજ ૬ એનસીસી બટાલીયન ભાવનગર પહોંચી હતી. રાત્રી રોકાણ બાદ આજરોજ તા. રરને ગુરૂવારના રોજ સવારના ૯-૦૦ કલાકે શામળદાસ આર્ટસ કોલેજમાં કુલપતિ ડો. મહિપતસિંહ ડી. ચાવડાના અધ્યક્ષ સ્થાને તેમજ ભાવનગર મહાપાલીકાના મેયર મનભા મોરીના અતિથિ વિશેષતામાં સ્વામી વિવેકાનંદ હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર મહાપાલિકાનાસ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ૬ ગુજરાત બટાલીયન ગર્લ્સના કમાન્ડિંગ ઓફીસર કર્નલ એસ.એ. ખરે, લેફટનન્ટ કર્નલ જયપ્રકાશ શરોન, ૬ ગુજરાત બટાલીયન સુરતના કમાન્ડિંગ ઓફીસર કર્નલ ઉમાકાંત શર્મા તેમજ શામળદાસ આર્ટસ કોલેજના કાર્યકારી આચાર્ય ડો કેયુર બી. દસાડીયા હાજર રહી ર૦૦ એનસીસી કેડેટને પ્રોત્સાહિત કર્યા હતાં. ભાવનગર મહાપાલિકાના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલે એનસીસી કેડેટસને સ્વચ્છતા જાળવવાની અને આ અભિયાનમાં સહભાગી થઈ લોકોને જાગૃત કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.