શહેરના ઘોઘારોડ પર આવેલ શિતળા માતાજીના મંદિરે દર વર્ષની પરંપરા મુજબ શિતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા આજે શિતળા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળાનં આયોજન કરવામાં આવ્યુ હતું. દર વર્ષે શિતળા સાતમના દિવસે અહી હજારો ભાવિકો શિતળા માતાજીની પૂજા અર્ચના અને દર્શન કરવા તેમજ માનતાઓ પૂર્ણ કરવા આવે છે. આજે શિતળા સાતમ નિમિત્તે પરંપરા મુજબ વહેલી સવારથી જ ભાવિકોની અવિરત ભીડ રહેવા પામી હતી. સાંજ સુધીમાં હજારો ભાવિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહી હજારો ભાવિકો આવતા હોય શિતળા સાતમ મહોત્સવ સમિતિ દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં વિવિધ રમકડાના સ્ટોલ, ખાણીપીણી ઉપરાંત ચકડોળ સહિત વિવિધ રાઈડ્સો પણ રાખવામાં આવે છે જેનો લોકો ઉત્સાહ લાભ લે છે. અહી ભરાતા લોકમેલામાં પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ મેળાને સફળ બનાવવા મહોત્સ સમિતિના ઉદયભાઈ મકવાણા, ભરતભાઈ મોણપરા, દિનુબેન બારૈયા, મોહનભાઈ પટેલ, પ્રભાશંકર દાદા, તેમજ સાજણભાઈ ચોસલા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી વ્યવસ્થાઓ ગોઠવી હતી. આ ઉપરાંત શહેરના સુભાષનગર ખાતે આવેલ ભગવાનેશ્વર મંદિર સ્થિત શિતળા માતાના મંદિરે તેમજ કુંભારવાડા ખાતેના શિતળા માતાના મંદિરે પુજન કરવા બેનોની કતાર લાગી હતી.