ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ભૂતપૂર્વ નાણા પ્રધાન, ભાજપના પીઢ નેતા, ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ઉપ-પ્રમુખ તથા દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ) અરુણ જેટલીના નિધન વિશે ઘેરો શોક વ્યક્ત કર્યો હતો. વિરાટે ટિ્વટર પર હૃદયપૂર્વકની અંજલિ આપતા જણાવ્યું હતું કે ‘શ્રી અરુણ જેટલીજીના અવસાન બદલ મને ખૂબ આઘાત લાગ્યો છે.
તેઓ ખરા અર્થમાં ખૂબ જ સારા સ્વભાવના હતા અને હંમેશાં બીજાને મદદ કરવામાં માનતા હતા. ૨૦૦૬ની સાલમાં મારા પિતા ગુજરી ગયા ત્યારે જેટલી તેમને અંજલિ આપવા સમય કાઢીને મારા ઘરે આવ્યા હતા. જેટલીજીના આત્માને શાંતિ મળે એવી ઈશ્ર્વરને પ્રાર્થના કરું છું.’
પીઢ રાજકારણી, નામાંકિત ધારાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી અને અસંખ્યોના મિત્ર જેટલીનું લાંબી માંદગી બાદ શનિવારે ૬૬ વર્ષની ઉંમરે અવસાન નીપજ્યું હતું. દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (ડી. ડી. સી. એ.)માં જેટલીના વડપણ હેઠળ ગંભીર ઉપરાંત, વીરેન્દર સેહવાગ, વિરાટ કોહલી, શિખર ધવન અને ઈશાંત શર્મા જેવા અનેક ક્રિકેટર આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રકાશમાં આવ્યા હતા.
ડી. ડી. સી. એ. એ પણ જેટલી માટે શોક વ્યક્ત કર્યો હતો અને બી. સી. સી. આઈ. (બૉર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના કામચલાઉ પ્રમુખ સી. કે. ખન્નાએ તેમના અવસાનને અંગત ખોટ ગણાવી હતી.
ભારતના ભૂતપૂર્વ ઓપનર અને ભાજપના સંસદસભ્ય ગૌતમ ગંભીરે ૧૯૯૯થી ૨૦૧૨ સુધી દિલ્હી ક્રિકેટ એસો.ના પ્રમુખ તરીકે રહેનારા અરુણ જેટલીને અંજલિ આપતા ટ્વીટ કર્યું હતું કે ‘એક પિતા તેના સંતાનને બોલતા શીખવે છે, પરંતુ પિતા સમાન વ્યક્તિ કેવી રીતે બોલવું એ શીખવે છે. પિતા ચાલતા શીખવે છે, પરંતુ પિતા સમાન વ્યક્તિ કેવી રીતે ચાલવું એ શીખવે છે.
વીરેન્દર સેહવાગે અંજલિમાં જણાવ્યું હતું કે ‘જેટલીજીએ દિલ્હીના ક્રિકેટરોને ભારતનું પ્રતિનિધિત્વ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ખેલાડીઓની જરૂરિયાત વિશે સાંભળતા હતા અને એનો ઉકેલ પણ લાવી આપતા હતા. જેટલીજી સાથે અંગત રીતે મારા ખૂબ સારા સંબંધો હતા. હું તેમને ખૂબ મિસ કરીશ.’