રેલવે સ્ટેશન બનાવવાની મુદત ૨ વખત લંબાતા ખર્ચ ૫૫૦ કરોડથી વધીને ૧ હજાર કરોડ થયો

586

ગુજરાત સરકારના સહયોગથી રેલવે ગાંધીનગર સ્ટેશનને ૫૫૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા ઉપરાંત સ્ટેશન પર ૩૦૦ રૂમની ફાઈવ સ્ટાર હોટેલ ‘લીલા’ની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ધીમી હોવાથી પ્રોજેક્ટ પૂર્ણ કરવાની અંતિમ તારીખ બે વાર વધારવામાં આવી છે. જેના પગલે પ્રોજેક્ટ ખર્ચ પણ વધીને ૧ હજાર કરોડ એટલે કે લગભગ બમણો થતાં હાલ કામગીરી વધુ ધીમી પડી ગઈ છે.

રેલવે અધિકારીના જણાવ્યા મુજબ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન ખાતે ફાઈવ સ્ટાર હોટેલની સાથે મલ્ટિપ્લેક્સ થિયેટર, મોલ, બેંક્વેટ હોલ, સ્વિમિંગ પૂલ સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની સાથે જ રેલવે સ્ટેશન પર પણ પેસેન્જરો માટે વાઈફાઈ, સીસીટીવી કેમેરા, વેઇટિંગ રૂમ, કોન્કોર હોલ સહિત અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે. આ તમામ કામગીરી માટે ગુજરાત સરકાર અને રેલવે સંયુક્ત રીતે ગાંધીનગર રેલવે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (ગરુડ) નામની કંપની શરૂ કરાઈ હતી. જેમાં ૭૪ ટકા ભાગીદારી ગુજરાત સરકારની તેમજ ૨૬ ટકા ભાગીદારી રેલવેની છે.

આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ ૨૦૧૬માં કર્યું હતું. જાન્યુઆરી ૨૦૧૯માં ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાનાર ગુજરાત વાઈબ્રન્ટ સમિટ પહેલા ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં તેને પૂર્ણ કરવાનું હતું. પરંતુ ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં અડધાથી વધુ કામગીરી બાકી હોવાથી પ્રોજેક્ટ પૂર્ણ કરવાની તારીખ સપ્ટેમ્બર ૨૦૧૯ કરવામાં આવી હતી. સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં પણ આ કામગીરી પૂર્ણ થાય તેમ નથી અને તેને પૂર્ણ થવામાં હજુ ૧૦થી ૧૨ મહિનાનો સમય લાગે તેમ છે. આ સમય દરમિયાન મટીરિયલ ખર્ચ વધતા પ્રોજેક્ટની કિંમત લગભગ બમણી થઈ છે. રેલવે મંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જ ગાંધીનગર કેપિટલ સ્ટેશનની મુલાકાત લઈ હોટેલ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચન કર્યું હતું. તેમની આ મુલાકાત દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓની સાથે પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ગરુડ કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Previous articleતા.૧૩ સપ્ટેમ્બરે રીલીઝ થશે ગુજ. ફિલ્મ ટીચર ઓફ ધ યર
Next articleઅક્ષરધામ મંદિરની સામે આવેલા લારીગલ્લાના દબાણો આજે દુર કરાશે