અક્ષરધામ મંદિરની સામે આવેલા લારીગલ્લાના દબાણો આજે દુર કરાશે

444

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં દબાણનો પ્રશ્ન નવો નથી ત્યારે અવારનવાર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરીને વિવિધ તંત્રો તથા કોર્પોરેશન દ્વારા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ થોડા સમય પછી પરિસ્થિતિ જૈસે થે થઈ જાય છે. ત્યારે દબાણ હટાવની કામગીરી ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા થઈ જતાં હોય છે.

ગાંધીનગર શહેરના સે-ર૦માં આવેલા અક્ષરધામ મંદિરની સામે પણ લારીગલ્લાના દબાણ મોટા પ્રમાણમાં ઉભા થઈ જતાં આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે જેના માટે પોલીસ બંદોબસ્તની પણ માંગણી કરવામાં આવી છે. ત્યારે આવતીકાલે સવારથી જ કોર્પોરેશનના જેસીબી દબાણો ઉપર ફરી વળશે.

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં પાકા દબાણોનો પ્રશ્ન ખુબ જ પેચીદો છે. શહેરના સે-ર૪માં વર્ષ અગાઉ મોટા પાયે પાકા દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ શહેરના અન્ય સેકટરોમાં પણ આ કામગીરી હાથ ધરાશે તેવું માનવામાં આવી રહયું હતું પરંતુ તે થઈ શકયું નહોતું. ત્યારે થોડા સમય અગાઉ  કોર્પોરેશને શહેરના વિવિધ સેકટરોમાં શેડ સહિતના પાકા દબાણો ઉભા કરનાર રહેણાંક વિસ્તારમાં નોટિસો ફટકારી હતી.

ગાંધીનગરમાં પાકા દબાણ હટાવવા માટે કોર્પોરેશને કોઈ ચોકકસ નીતિ ઘડવાની જરૂર છે. દબાણો હટાવવા માટે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી.ત્યારે ફરીથી આવતીકાલે ગાંધીનગર શહેરના સે-ર૦ ખાતે આવેલા અક્ષરધામ મંદિરની બહાર ઉભા થઈ ગયેલા લારીગલ્લાના દબાણ હટાવવાની ઝુંબેશ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવનાર છે. આ માટે જરૂરી પોલીસ બંદોબસ્તની પણ માંગણી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. સવારે ૧૧ કલાકે કોર્પોરેશનના જેસીબી ગેરકાયદેસર દબાણો ઉપર ફરી વળશે.

ઉલ્લેખનીય છે કે સ્વતંત્ર પર્વ દરમ્યાન ભાંગફોડીયા તત્ત્વો સક્રિય થવાના આઈબીના ઈનપુટના પગલે ગાંધીનગરના સુરક્ષા પ્રબંધોની ચકાસણી દરમ્યાન સ્થાનિક પોલીસ અધિકારીઓને સાથે રાખીને આઈબી દ્વારા તાજેતરમાં અક્ષરધામની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં જરૂરી સુધારા કરવાની સાથે અનઅધિકૃત લારીગલ્લા હટાવવા માટે પણ મહાનગરપાલિકાને સુચના આપવામાં આવી હતી. જેના પગલે સુરક્ષા વ્યવસ્થાનો મામલો હોવાથી મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવતાં આ કામગીરી આવતીકાલે સવારથી શરૂ કરવામાં આવશે.

Previous articleરેલવે સ્ટેશન બનાવવાની મુદત ૨ વખત લંબાતા ખર્ચ ૫૫૦ કરોડથી વધીને ૧ હજાર કરોડ થયો
Next articleCM કોન્વોયની કારે ગાંધીનગરમાં બાઈક સવારને ટક્કર મારી, મહિલા ઈજાગ્રસ્ત