સરકાર સામે વિરોધ, ૮ હજાર રેવન્યૂ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા

445

મહેસુલી કર્મચારીઓના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અંગે અવારનવાર લેખિત-મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આગામી તા.૨૯થી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનો નિર્ણય ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળે કર્યો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત મહામંડળના પ્રમુખે કરી છે. તેઓ એક અઠવાડિયાના તબક્કાવાર આંદોલન બાદ બેમુદતી હડતાળ પર જશે.

રાજ્યના રેવન્યૂ કર્મચારીઓએ કૌશિક પટેલની ગેરહાજરીમાં જેમને મહેસૂલનો ચાર્જ સોંપાયો હતો. તેવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદન પત્રો પાઠવીને કર્મચારીઓની બઢતી-બદલી જેવા પ્રશ્નોની અવારનવાર રજૂઆતો કરી છે. તા.૨૧-૫-૨૦૧૮ના પરિપત્રથી કલાર્ક સંવર્ગના કર્મચારીઓને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન જિલ્લામાં ખાલી જગ્યા હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલા છે.

આવા કર્મચારીઓને મુળ મહેકમના જિલ્લામાં મુકવાની મહામંડળની માગણી છે. આ ઉપરાંત કલાર્ક-રેવન્યૂ તલાટી સંવર્ગમાંથી નાયબ મામલતદારના પ્રમોશન આપવા, ૨૦૦૯ની કલાર્કની બેચના તમામ કલાર્કનો સમાવેશ કરવા, નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટી યાદી તૈયાર કરવા માગણી કરવામાં આવી છે.

રાજ્યના નાયબ મામલતદારોની ૨૪૦૦ જગ્યા ખાલી છે. આવા મુદ્દાઓ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઇ નથી. જેથી આજે તમામ જિલ્લા મથકોએ માસ સી.એલ. નો કાર્યક્રમ આપ્યો છે. આ પહેલા પણ તા.૧૯ના કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી વર્ક ટૂ રુલનો કાર્યક્રમ આપ્યો હતો. તા.૨૬ના માસ સીએલ અને જિલ્લા કચેરીએ સૂત્રોચ્ચાર કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જો હજી પણ સરકાર તેમની માંગો પ્રત્યે ધ્યાન નહીં આપે તો તારીખ. ૨૯ ઓગસ્ટના અચોકકસ મુદતની હડતાલ શરૂ કરાશે.

Previous articleસિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી ટોળું ૧૮૫ ગાયને છોડાવી જતા અફરાતફરી
Next articleચિદમ્બરમની રિમાન્ડ અવધિ ૩૦ ઓગસ્ટ સુધી વધી ગઈ