આઇએનએક્સ મિડિયા કેસ મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી પૂર્વ કેન્દ્રીયમંત્રી પી ચિદમ્બરમને આજે મોટો ફટકો પડ્યો હતો. સુપ્રીમ કોર્ટ બાદ સીબીઆઇ કોર્ટમાંથી ચિદમ્બરમને કોઇ રાહત મળી ન હતી. સીબીઆઈ કોર્ટે ચિદમ્બરમને ૩૦મી ઓગસ્ટ સુધી પોલીસ રિમાન્ડ ઉપર (સીબીઆઈના) મોકલવાનો આજે આદેશ કર્યો હતો. સીબીઆઈ કોર્ટે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીની તમામ દલીલોને ફગાવી દીધી હતી. સીબીઆઈ કોર્ટમાં વરિષ્ઠ વકીલ સિંઘવી તરફથી જોરદાર દલીલો કરાઈ હતી. ચિદમ્બરમના પત્નિ નલિની અને પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. આપહેલા સુપ્રીમ કોર્ટે પણ પૂર્વ મંત્રીની જામીન અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ આ પ્રકારની અરજીનો કોઇ મતલબ રહેતો નથી. જો કે, કોર્ટે ચિદમ્બરમને ઇડીથી ધરપકડના મામલામાં એક દિવસની રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટ ઇડી કેસમાં આવતીકાલે સુનાવણી કરનાર છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ ભાનુમતીની બેંચે કહ્યું હતું કે, ધરપકડ કરવામાં આવ્યા બાદ અરજી ઉપર સુનાવણી થઇ શકે નહીં. બેંચે કહ્યું હતું કે, આ સુપ્રીમ કોર્ટનો અગાઉનો ચુકાદો છે. કોર્ટે કહ્યું હતું કે, જો ચિદમ્બરમને સીબીઆઈ મામલામાં રાહત જોઈએ છે તો તેમને નિચલી કોર્ટમાં જવું પડશે. ત્યાંથી જ તેમને રાહત મળી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નિયમિત બેલ માટે યોગ્ય કોર્ટમાં જવું પડશે. સીબીઆઈ રિમાન્ડવાળી અરજી હવે અર્થવગરની થઇ ચુકી છે.
દિલ્હી હાઈકોર્ટ દ્વારા આઇએનએક્સ મિડિયા કેસમાં જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ ૨૧મી ઓગસ્ટના દિવસે ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી. કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં ચિદમ્બરમ તરફથી જોરદાર દલીલો કરી હતી અને કહ્યું હતું કે, સીબીઆઈએ છેલ્લા પાંચ દિવસમાં ચિદમ્બરમ ઉપર તેમની સામે જે આક્ષેપો મુક્યા છે. આક્ષેપોના સંદર્ભમાં કોઇ પ્રશ્નો કર્યા નથી. તેમને માત્ર વિદેશી બેંક ખાતા અંગે પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. જે અંગે તેઓ ઇન્કાર કરી ચુક્યા છે. અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે પૂર્વકેન્દ્રિય નાણામંત્રી ચિદમ્બરમની આખરે મોડી રાત્રે પુુછપરછ બાદ તેમના આવસ પરથી ધરપકડ કરી લેવાઈ હતી. આની સાથે જ હાઈડ્રામાબાજીનો અંત આવ્યો હતો. તે પહેલા પૂર્વ નાણામંત્રીની આવાસ પર હાઈડ્રામાની સ્થિતિ જોવા મળી હતી. સીબીઆઈ અને ઈડીના અધિકારીઓ ચિદમ્બરમના આવાસ પર પહોંચ્યા હતા. જોકે, ચિદમ્બરમના આવાસ ઉપર તપાસ અધિકારીઓને સહકાર ન મળતા એક ટીમ દીવાલ કુદીને ચિદમ્બરમના આવાસ પર પહોંચી હતી. કોંગ્રેસના કાર્યકરોની સાથે મારામારી પણ થઈ હતી. ગુરુવારના દિવસે જ ટ્રાયલ કોર્ટ દ્વારા ચિદમ્બરમને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો. સોલીસીટર જનરલ દ્વારા દાવો કરાયો છે કે, પુરાવા દર્શાવે છે કે, માત્ર ભારતમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ સંપત્તિ ખરીદવામાં આવી છે. ઉપરાંત સેલ કંપનીઓ મારફતે જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. ચિદમ્બરમ જેવા હાઈ મેન્ટલ ફેકલ્ટી વ્યક્તિ પાસેથી વાસ્તવિક માહિતી કઢાવવા માટે કસ્ટોડિયલ પુછપરછ જરૂરી છે તેવી દલીલો થઇ ચુકી છે.