ગુજરાત : વરસાદી માહોલ હજુય અકબંધ, ક્વાંટમાં ૩ ઇંચ વરસાદ

453

ગુજરાતમાં મોટાભાગે જોરદાર વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગો અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલના કારણે ઘણી જગ્યાએ જનજીવન ઉપર પણ માઠી અસર થઇ છે. આજે રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ રહેતા ગુજરાતમાં સિઝનમાં વરસાદના આંકડામાં પણ સતત વધારો થઇ રહ્ય છે.આજે રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ વચ્ચે ક્વાંટમાં સૌથી વધુ ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો હતો જ્યારે છોટાઉદેપુરમાં અઢી ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ આજે વરસાદી માહોલ વચ્ચે ગોધરા, હાલોલ, કપડવંજ, ભિલાલા, વડોદરા, ડભોઈ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ક્વાંટમાં સૌથી વધુ વરસાદ ખાબકડા ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. છોટાઉદેપુરમાં પણ અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગુજરાતમાં વર્તમાન સિઝનમાં ઉલ્લેખનીય વરસાદ થઇ ચુક્યો છે. સિઝનનો કુલ ૨૯ ઇંચ જેટલો વરસાદ થતાં રાહત થઇ છે.

જો કે, હાલમાં જ ગુજરાતના વિવિધ ભાગોમાં અને ખાસ કરીને વડોદરા, રાજકોટમાં ભારે વરસાદના લીધે પુરની સ્થિતિ સર્જાઈ હતી જેથી નુકસાન પણ થયું હતું. ગુજરાતમાં વર્તમાન વરસાદની સિઝનમાં ભારે વરસાદ અને પુરથી ૪૦થી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. સરેરાશ ૯૧ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચુક્યો છે. રાજ્યના કેટલાક ભાગોમાં ઉપયોગી વરસાદ રહ્યો છે જ્યારે અનેક ભાગોમાં વરસાદે નુકસાન પણ પહોંચાડ્યું છે. હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી અકબંધ રાખવામાં આવી છે. ગુજરાતમાં ૧૦ દિવસના વિરામ બાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તા.૨૯ ઓગસ્ટ બાદ બે દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને સૌરાષ્ટ્રમાં શિયરઝોન નામની સીસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. આજે પણ રાજયના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમ જ દક્ષિણ ગુજરાતના પંથકોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શકયતા વ્યકત કરાઇ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વધુ અસર જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, દાહોદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડે તેવી શકયતા છે તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહે તેવી પણ સંભાવના છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણી આ વર્ષે સરેરાશ ૯૧ ટકા જેટલો સારો વરસાદ નોંધાયો છે. જૂન મહિનામાં ૪ ઇંચ, જુલાઈ મહિનામાં ૯ ઇંચ અને સૌથી વધુ ઓગસ્ટ મહિનામાં ૧૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આવી રીતે સીઝનનો કુલ ૨૯ ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ફરી એકવાર વરસાદી સીસ્ટમ સક્રિય બનતા ખેડૂતોને વાવણી માટે ખુબ ફાયદાકારક બની રહેશે. હવે ચોમાસાની પૂર્ણાહુતિ થવાના આરે છે ત્યારે વરસાદી સીસ્ટમ સક્રિય બનતા ગુજરાતને ૫ દિવસ સારો વરસાદ મળશે અને ૫ દિવસ બાદ પણ વધુ એક સીસ્ટમ બને તેવી શક્યતા છે. સારા વરસાદને પગલે આ વખતે ખેડૂતોને પણ સારા અને સંતોષજનક પાકની આશા બંધાઇ છે.

 

Previous articleશેરબજારમાં તેજી : ૭૯૩ પોઇન્ટનો વિક્રમી ઉછાળો
Next articleકલમ ૩૭૦ને દૂર કરાયા બાદ શાહ ૨૮મીએ ગુજરાત પ્રવાસે