સુરેન્દ્રનગરની મહિલાનું કોન્ગો ફિવરથી મોત થતાં ભારે ચકચાર

639

ગુજરાતમાં ચોમાસા દરમ્યાન રોગચાળાએ ભરડો લીધો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જામડી ગામના ૭૫ વર્ષીય સુખીબેન કરશનભાઈ મેણીયાને શંકાસ્પદ કોંગો ફિવર થતાં તા.૨૦ ઓગસ્ટે તેમને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ રવિવારે રાત્રે ૧૧-૩૦ કલાકે તેમનું મોત થતા હોસ્પિટલ સહિત સમગ્ર ગુજરાતનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને રાજ્યમાં સૌપ્રથમ કોંગો ફિવરથી મોતનો કિસ્સો સામે આવતા રાજ્ય સરકારને વિધિવત્‌ જાણ કરવામાં આવી છે. સરકારે પણ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ હવે આરોગ્યવિષયક પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.     આ કેસમાં સૌપ્રથમ શંકાસ્પદ રીતે કોંગો ફિવરથી સુખીબેનના મોત મામલે પૂણેની વાઈરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, સુખીબેન મેણીયા નામની મહિલાનું કોંગો ફિવરથી મોત થયું હોવાનું પોઝિટિવ રિપોર્ટ આવતા રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. તેઓની સારવાર કરનારા તમામ પેરા મેડિકલ સ્ટાફની પણ સારવાર કરવામાં આવી રહી છે. જે ગામ(જામડી)માં તેઓ રહેતા હતા, ત્યાં પણ આ મામલે જાણ કરી સાવચેતીના પગલા લેવા સૂચના આપવામાં આવી છે. તા.૨૦ ઓગસ્ટે લીંબડી તાલુકાના જામડી ગામે બે મહિલાઓના શંકાસ્પદ ડેંગ્યુના કારણે મોત નીપજ્યાં હોવાની ચર્ચાને કારણે ચકચાર મચી ગઈ હતી. જ્યારે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બન્ને મહિલાઓના ડેંગ્યુ રિપોર્ટ નેગેટીવ હોવાનું જણાવ્યું હતું.

જામડી ગામના સુખીબેન કરશનભાઈ મેણીયા અને લીલાબેન વામાભાઈ સિંધવની તબિયત લથડતા બન્નેને સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સી.યુ.શાહ હોસ્પિટલમાં તા.૨૦ ઓગસ્ટે સવારે ૭-૩૦ કલાકે સારવાર દરમિયાન લીલાબેન સિંધવનું મૃત્યુ થયું હતું. જ્યારે સુખીબેન મેણીયાને પ્રાથમિક સારવાર આપી અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાત્રે સુખીબેનનું પણ મોત થયું હતું. જેનો રિપોર્ટ કરાવતા કોંગો ફિવરથી મોત થયું હોવાનો ખુલાસો થતાં રાજય આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયું છે. સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા હવે આવા શંકાસ્પદ કોંગો ફિવરના કેસો અલગ તારવવાની અને તેવા કિસ્સામાં સઘન સારવારની તજવીજ હાથ ધરાઇ છે. દરમિયાન આરોગ્ય કમિશનર જયંતી રવિએ જણાવ્યું કે, ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવર સામે રાજ્યનું આરોગ્ય તંત્ર સજજ રાજ્યમાં સુરેન્દ્રનગર લીમડી તાલુકાના ઝામડી બોરણા ગામના એક વૃદ્ધાને ગત અઠવાડિયે ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના લક્ષણો જણાતા તેઓને સીયુ શાહ મેડીકલ કોલેજ સુરેન્દ્રનગર અને ત્યારબાદ એસવીપી હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.  આ દર્દીના લોહીના નમૂના લઇને એનઆઈવી પુના ખાતે મોકલતા તેનો ક્ર્મિયન કોન્ગો હેમરેજીક ફીવરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ દર્દીનું એસવીપી  હોસ્પિટલમાં  સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે. રાજ્યમાં આ રોગ પ્રસરે નહીં તે માટે તંત્ર સુસજ્જ છે અને પ્રોએક્ટીવ કામગીરી દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય કમિશ્નર ડૉ. રવિએ આ રોગ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે આ રોગ પશુપાલન સાથે સંકળાયેલ વ્યક્તિઓમાં થવાની શક્યતા વધારે રહેલી હોય છે. વધુમાં કહ્યું હતું  કે આરોગ્ય વિભાગના અધિકારીઓને આ દર્દીની માહિતી મળતાજ ગામમાં આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા સર્વેલન્સ તેમજ રોગ અટકાયતી કામગીરી શરુ કરી દેવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલ  કામગીરીની વિગતો આપતા તેમણે ઉમેર્યુ કે ઝામડી બોરણા ગામની ૭૦૦થી વધુ વસ્તીનું દૈનિક ધોરણે સર્વેલન્સ કરી આ દર્દીના ૨૧ ક્લોઝ કોન્ટેક્ટને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે. ગામમાંજ આરોગ્ય વિભાગ દ્વારા ઓપીડી શરુ કરી દેવામાં આવેલ છે. ગામના ૫૦૦ જેટલા પશુઓનું સર્વેલન્સ કરી તેમના પર ઇતરડીનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ છે તેમજ આજુબાજુના ઘરોમાં સ્પ્રેઈગની કામગીરી કરવામાં આવી છે. રાજ્ય કક્ષાએથી સીનીયર અધિકારી દ્વારા તેમજ મેડીકલ કોલેજની રેપીડ રીસ્પોન્સ ટીમ દ્વારા મુલાકાત લઇને જનજાગૃતિ માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યુ કે આ રોગ એ પશુઓમાં જોવા મળતી ઇતરડી કરડવાને કારણે થાય છે. તે માટે જનજાગૃતિ પણ કેળવવામાં આવી છે. પશુપાલન વિભાગ દ્વારા ૫૨૮ પશુઓ પર કીટકનાશકો એન્ટીટીકસ એક્ટીવીટી પૂર્ણ કરી દેવાઇ છે. તેમજ ઘરોમાં સ્પ્રેઇંગ કામગીરી પૂર્ણ કરાઇ છે. ગામમાંથી ૯ પશુઓના શીરમ તથા ૯ ઇતરડીના સેમ્પલ પણ તપાસ માટે મોકલી અપાયા છે.

Previous articleકલમ ૩૭૦ને દૂર કરાયા બાદ શાહ ૨૮મીએ ગુજરાત પ્રવાસે
Next articleતહેવારોની મોસમમાં શાકભાજીના ભાવમાં ભડકો, અધધધ…૧૫૦ ટકાનો વધારો..!!