ડુંગળીના મૂલ પાણીના ભાવે થતા ખેડૂતો વિફર્યા

633
bvn2722018-10.jpg

આજરોજ ડુંગળીના ભાવો તળીયે જતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને માર્કેટ યાર્ડમાં હરરાજીનું કામ બંધ કરાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ તંત્ર દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો.
શહેરના ચિત્રા પાસે આવેલ સર કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજાર ખાતે ડુંગળીના વેચાણ અર્થે આવેલ ખેડૂતો દ્વારા હરરાજી અટકાવી હોબાળો મચાવ્યો હતો. છેલ્લા થોડા દિવસોથી ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે ભાવ તુટીને તળીયે બેસી જતા ખેડૂતો વિફર્યા હતા. રૂા.ર૮૦ થી લઈને ૩૮૦ સુધી વેચાતી ડુંગળીના અજે માત્ર ૧૦૦ થી ૧પ૦ રૂપિયા થઈ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો હોય હોબાળો મચાવી તત્કાલ ડુંગળીની હરરાજી બંધ કરાવી માર્કેટ યાર્ડમાં ચક્કાજામ સાથે ખેડૂતોના ટોળાએ બન્ને મુખ્ય એન્ટ્રી ગેટની તાળાબંધી કરી દેકારો બોલાવતા યાર્ડના સત્તાવાળાઓ તથા ડી ડીવીઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો અને ર કલાકની માથાકૂટનો અંત આવ્યો હતો.

તો… જોયા જેવી થશે : કિસાન સંઘ
ભાવનગર મુખ્ય ખેત ઉપન્ન બજાર ખાતે આગામી દિવસોમાં હોળી-ધૂળેટી પર્વ અન્વયે ૭ દિવસ જેવી રજા રહેનાર હોય કારણ કે યાર્ડમાં મજુરી કામ સાથે સંકળાયેલ મોટાભાગના મજુરો રાજસ્થાન પ્રાંતના હોય તેમના માટે આ ઉત્સવ ખૂબ મહત્વનો હોય આથી મારવાડી લોકો પોતાના માદરે વતન તહેવાર પ્રસંગે જતા હોય જેના કારણે ડુંગળીના ખરીદી-વેચાણ બંધ રહેનાર હોય આથી ખેડૂતો છેલ્લા બે દિવસથી મોટી માત્રામાં ડુંગળી વેચાણ અર્થે લાવી રહ્યાં છે પરંતુ પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે આર્થિક નુકશાનીઓ વેઠવી પડી રહી છે. આજના બનાવ અંગે કિસાન સંઘના અગ્રણીએ જણાવ્યું કે, ભાવ મુદ્દે સંઘ ખેડૂતોની સાથે જ છે અને છેક સુધી લડત આપીશું. ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે તો ઉગ્ર અને ઝલદ કાર્યક્રમો થકી પણ માંગ મંજુર કરાવીશું.

Previous articleફુટવેર એસો.એ રેલી કાઢી…
Next articleવિધાનસભાના દ્વારેથી