સંઘબળ કોઈ પણ સંગઠનની ખરી તાકાત છે

496

માનવ અન્ય પ્રાણીઓ કે પક્ષીઓની સરખામણીમાં સમૂહમાં રહેવાનું વધુ પસંદ કરે છે. કેટલાક કામો તે સંગઠિત બની કરતો હોય છે. કોઈવાર અન્યાય સામે લડવા પણ તે સંગઠિત થતો હોય છે. એક યા બીજા કારણોસર સંગઠિત થતો માનવ સમય જતા એક જાળાની માફક ગૂંથાવા લાગે છે. તેની જરૂરિયાતો હાંસલ કરવા નાના સમુદાયો, સંગઠનો કે સંસ્થાઓ અસ્તિત્વમાં આવે છે. સામાજિક, રાજકિય કે ધાર્મિક ઉદ્દેશોને બર લાવવા આવી સંસ્થાઓ સ્થપાતી જ રહે છે. શૈક્ષણિક, આરોગ્ય કે સામાજિક સેવાઓ પૂરી પાડવા સ્થપાયેલી સંસ્થાઓ, તેના હેતુઓથી ભટકી, ધંધાદારી એકમોની જેમ ઉત્પાદનલક્ષી કામગીરી કરવા લાગે છે, નફો કમાવા લાગે છે, ત્યારે લાભાર્થીનાના કલ્યાણનો ઉદ્દેશ બાજુ પર રહી જાય છે. આવી સંસ્થાઓ કમાણીનું સાધન બની કારખાનાની જેમ કામ કરવા લાગી જાય છે. આવી કોઈ પણ સંસ્થાને સંસ્થા તરીકે ઓળખાવાનો નૈતિક અધિકાર રહેતો નથી. કોઈ પણ સંસ્થા તેના બંધારણીય ઉદ્દેશોથી ભટકી ઉત્પાદનલક્ષી કાર્યરાજકીયનું સ્થળ બની ન જાય, તે જોવાની નૈતિક ફરજ દરેક ટ્રસ્ટીઓ, કાર્યકરો કે કર્મવીરોની રહે છે.

સંગઠનના નક્કી થયેલા હેતુઓને પાર પાડવા નિષ્કામ ભાવે સેવા બજાવવા તત્પર બનેલો દરેક કર્મવીર ઇશ્વરની સાચી ભક્તિમાર્ગનો ખરો પથિક પુરવાર થાય છે. દિવસ-રાત લાભાર્થીના કલ્યાણ અર્થે કાર્ય કરતો કર્મવીર પરમાનંદને પામે છે. સંસ્થામાં કાર્યરત કર્મવીર જ્યારે લાભાર્થીના અંતરના ભાવોને વાંચતો થઈ જાય છે ત્યારે કોઈ પણ સંસ્થા કે સંગઠન ઇશ્વરનું ધામ બની જાય છે. તેનો એક પણ લાભાર્થી કોઈ પણ સેવાથી વંચિત રહતો નથી. જે સંસ્થા આવા નિષ્ઠાવાન કાર્યકરો અથવા કર્મવીરોથી શોભતી હોય છે, તેવી દરેક સંસ્થા પવિત્ર યાત્રાધામથી પણ ચડિયાતી છે. આવી સંસ્થાઓના કોઈ પણ કાર્યકર કે તેના કર્મવીરોને મંદિરમાં યાચના કરવાની જરૂર રહેતી નથી. પોતાના સેવામંદિરમાં નિયમિત કાર્ય કરતો કોઈ પણ વ્યક્તિ, પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. માનવ જીવનની ખરી સફળતાની મહેક સેવાધર્મમાં મહેકે છે. હરણની નાભિમાં રહેલી કસ્તુરીનો ખ્યાલ ખૂદ હરણને જેમ હોતો નથી, તેમ માનવ અજ્ઞાનતાના અંધકારમાં અટવાઇ, સેવાના પ્રગટેલા પ્રકાશથી, જીવનકાળ દરમિયાન વંચિત રહી જાય છે. કેટલીક સંસ્થાઓ તેને મળતા સરકારી અનુદાન તેમજ લોકફાળા વડે એકત્રિત થયેલ નાણાનો ઉપયોગ પોતાના લાભાર્થીના વિકાસમાં કરવાના બદલે અંગત સવલતો ઊભી કરવા કે સંસ્થાની માલ-મિલકત, મકાનોનું નિર્માણ અથવા તેનું નિભાવ ભંડોળ વધારવા, યોજનાઓ ઘડી કાઢે છે. આવી સંસ્થાઓ લોકોની પ્રથમ નજરે આદર્શ અને પ્રગતિના માર્ગે દોડતી દેખાવા લાગે છે. માત્ર ભૌતિક સગવડો ધરાવતી સંસ્થા આદર્શ કહી શકાય નહિ. કોઈ પણ સંસ્થાનું નિર્માણ તેના લાભાર્થીના કલ્યાણ માટે જ કરવામાં આવે છે-સંસ્થાના નામે મોટી માલ-મિલકત વસાવી, તેમાંથી ધન કમાવા નહિ. તેમ છતાં આજ-કાલ કેટલીય સંસ્થાઓ પોતાના માર્ગથી સાવ ભટકી રહી છે. આવી ઘણીખરી સંસ્થાઓ તો લાખો રૂપિયા કમાય લઈ લાગતા-વળગતા લોકોને કામે રાખતી હોય છે,  તેને જુદા-જુદા પ્રૉજેક્ટની કામગીરી  સોંપી પગાર પેટે વર્ષે દાડે તગડી રકમ ચૂકવતી હોય છે. આવા પ્રોજેક્ટમાં સંસ્થાના લાભાર્થીના ફાયદા કરતા કામે રાખેલ કર્મચારીના હિતની કાળજી વધુ રાખવામાં આવતી હોય છે. મને આવી સંસ્થાઓથી ભગવાન હંમેશા દૂર રાખે તેવી હું પ્રાર્થના કરતો રહું છું. કેમ કે હું માનું છું કે ભગવાને મારા પર મૂકેલો ભરોસો જો હું ખોઈ બેસીશ તો મારું પતન નક્કી જ છે. મંદિરમાં બેઠેલો કોઈ પણ પૂજારી પ્રાર્થના વડે જે સુખ પામે છે તે સઘળું સુખ સેવાધર્મ પણ આપે છે. પરંતુ પામર માણસ આ જીવનમંત્ર સમજી શકતો નથી. આમ, વગર કહ્યે આત્મકલ્યાણના માર્ગે આગળ ધપતો મુસાફર ભગવાનથી વિમુખ થઈ જાય છે.  જેમ પૂજારી મંદિરમાં વસવાટ કરતો હોવા છતાં ભ્રષ્ટ થવાથી તેની અધોગતિ થાય છે. આ નિયમ સંસ્થા સાથે જોડાયેલા કાર્યકરો, કર્મવીરો કે ટ્રસ્ટીગણને પણ લાગુ પડે છે. સેવાના મંદિરમાં પગપેસારો કરી તેને કમાણીનું સાધન બનાવવા રચ્યોપચ્યો રહેતો કાર્યકર અને કર્મવીરની હાલત મંદિરના પૂજારી જેવી જ દયનીય બને છે.  સેવાના ધામમાં જોડાવા છતાં સેવાથી વંચિત રહી દુર્ગતિ પામે છે. સંતમહાત્મા બધું જ ત્યાગી સંસારીઓની  જેમ મંદિરની ગાદી મેળવવા ધમપછાડા કરતા હોય છે. લાખો રૂપિયાનો વહીવટ હાથમાં રાખવા, કાવાદાવા કરતા હોય છે. કોઈવાર પાછલા બારણે કેટલાકનો કાંટો કાઢવા ખૂનખરાબા પણ કરાવે છે. આવી ઘણી વાતો આપણને પ્રસાર માધ્યમો દ્વારા જાણવા મળે છે. આવા સાધુમહાત્મા ભક્તિની પૂંજી ગુમાવે છે. જીવનપર્યંત વેતરું કરી પશુયોનીમાં જન્મ ધારણ કરવા મજબૂર બને છે. ટૂંકમાં, કોઈપણ ક્ષેત્રમાં વ્યક્તિનો દંભ, વ્યક્તિના પતનનું કારણ બને છે. સંસ્થાના કોઈ પણ કર્મવીરે સેવાનો જરાસરખો પણ દંભ કરવો જોઈએ નહિ. બીજા શબ્દોમાં કહુ તો આવા મહાનુભાવોએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરતા રહેવું જોઈએ. આર્થિક લાભ સાથે સેવા બજાવતા લોકોએ તેને મળતા વેતન કરતા બદલો વધુ આપવા તૈયાર રહેવું જોઈએ. સેવા સંકુલના યાત્રિકોએ આ કરવા જેવો સંકલ્પછે. કેમ કે, એમ નહિ બને તો સેવાક્ષેત્રના યાત્રિકોનું અધઃપતન નિશ્ચિત છે. જે રીતે સાતમા માળેથી કૂદી પડતો માણસ બચતો નથી  તેમ સેવામંદિરમાં પ્રવેશ મળવા છતાં સેવાથી અળગો રહી પૈસાનો દાસ બની, આંધળી દોટ મૂકનાર માણસ પોતાને મળેલી આત્મકલ્યાણની સોનેરી તક ગુમાવે છે.

કોઈ પણ સંસ્થાનો પ્રાણ તેના કર્મચારીઓ અને કાર્યકરો હોય છે. સંચાલક લોભી, સ્વાર્થી કે ધંધાદારી વૃત્તિ ધરાવતો હશે; તો સંસ્થાના લાભાર્થીઓ અનેક સેવાઓથી અળગા રહી જશે. જોકે આવી સંસ્થાઓ હેતુ વગરના ધંધાદારી એકમો બની ફાલેફૂલે છે પણ લાભાર્થીને તેનો ખાસ ફાયદો થતો નથી. સરકારના ચોપડે ઘણી આવી સંસ્થાઓ હમણા-હમણા ચડવા લાગી છે. સરકારે સંસ્થાઓને મળતા અનુદાન પર નિયંત્રણ મૂકવા પગલાં લીધા છે. સંસ્થાઓને સહાય કરતા દાતાઓને ૧૦૦ ટકા ઇન્કમટેક્ષમાં રાહત આપતી કલમ ૩૫ એ.સી. રદબાતલ કરવામાં આવી છે. પરિણામે સારું કાર્ય કરતી સંસ્થાઓની સેવાકીય પ્રવૃત્તિ પર ગંભીર અસર થઈ છે. પાકમાંથી નિંદામણ દૂર કરનાર ખેડૂત મારી દૃષ્ટિએ ઘણો કુશળ છે. પણ નિંદામણ નાશ કરવા પાકેલા પાકને પણ હાનિ પહોંચે તેવા નુસખા અપનાવતો ખેડુત અણઘણ અને અજ્ઞાની છે. આવી જ રીતે  આજકાલ સરકાર કાયદાનો ગેરલાભ ઊઠાવતા  લોકોને રોકવા, કાયદો કે તેની કલમ હટાવી દેવાનું પસંદ કરે છે. તે દરેક સરકાર પેલા અનઘણ ખેડૂત જેવી જ ગણાય. ખોટી સંસ્થાઓને પકડવાને બદલે બધી જ સેવાકીય સંસ્થાઓને મળતી અનુદાનની રકમ પર નિયંત્રણ મૂકવું સરકારનું પલાયનવાદી વલણ દર્શાવે છે. તો બીજી તરફ સંસ્થાઓના સંઘબળ પર પણ શંકા ઉત્પન્ન કરે છે. ‘કોઈને અન્યાય કરવો નહિ’ સિદ્ધાંત માથે ચડાવા જેવો છે, પણ કોઈના તાબે થઈ અન્યાય સહન કરવો તેનાથી વધુ હાનિકારક છે. જે લોકો કાયરતા અને પ્રતિકારથી ડરી અન્યાય સહન કરવા તૈયાર થઈ જાય છે તેનો ક્ષય થાય છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉદ્દેશી ફળની પળોજણમાં પડ્યા વિના કર્મ બજાવવા કહ્યું છે. આપણું કમનસીબ આપણને ફળની માયાજાળમાંથી છૂટવા દેતું નથી. પરિણામે મળેલી તક એળે જાય છે. સંસારના મોહરૂપી અંધકારમાં ભટકી-ભટકી કર્મની માયાજાળમાં ફસાઈ મુક્તિથી વંચિત રહીએ છીએ. હાથ-પગ, ધડ, માથું જેવા શરીરના ઉપાંગો મળવા છતાં ખરી માનવતાને પામી શકતા નથી.

કોઈપણ સંગઠન સ્વાર્થ અને અંગત તૃષ્ણાથી ઘેરાય નહિ તેની કાળજી પ્રત્યેક સંચાલકે રાખવી જોઈએ. વળી, તેનો લાભાર્થી માત્ર અધિકારો પૂરતી ચિંતા કરે તેવો સંકુચિત પણ ન હોવો જોઈએ. સંસ્થાના વિકાસમાં જે લાભાર્થીને રુચિ થતી ન હોય તેવા લાભાર્થીએ સંસ્થાની કોઈ પણ ચીજવસ્તુનો ઉપયોગ કરવાનો નૈતિક અધિકાર રહેતો નથી. જે લાભાર્થી કે સંસ્થાનો વિદ્યાર્થી પોતાનો નૈતિક અધિકાર ગુમાવ્યા પછી પણ તેનો લાભ ઊઠાવાનું ચૂકતો નથી તેનું આખરે પતન થાય છે. વિદ્યા પ્રાપ્ત કરવા છતાં અન્ય પર આધારિત જીવન ગુજારવા  મજબૂર બને છે. કોઈવાર સંચિત કર્મફળના કારણે અનીતિભર્યા અનેક કામો કરવા છતાં આવા લોકોને હાનિ થતી નથી. ઘણી વેળા આવા લોકો સંસ્થાને તોડી-ફોડી નાખતા હોય છે, તો કોઈનો હાથો બની પ્રવૃત્તિઓથી ધમધમતી સંસ્થાને નામશેષ કરવા ઉધઈ બની જતા હોય છે. આવા લાભાર્થી ઢોરને ચોટતી ઈતરડી જેવા કહેવાય છે. પશુના આંચળમાં રહેલું દૂધ પીવાના બદલે લોહી ચૂસતી ઇતરડી જેવા લાભાર્થીઓ સંસ્થાને નફરતનો ચૂનો લગાવી શોભા વીનાની બનાવી દે છે. અંતે, આવી સંસ્થા સમાજમાં માન ગુમાવે છે. તેને સમાજ મદદ કરવાનું ટાળે છે. સમાજથી વિમુખ બનેલી સંસ્થા ગોકળગાયની ગતિએ ચાલતા-ચાલતા ક્ષીણ બની નાશ પામે છે. દરેક લાભાર્થી કે વિદ્યાર્થીએ સંસ્થાની દેખભાળમાં મદદ કરવી જોઈએ. સંસ્થાની કોઈ પણ સંપત્તિને જરા સરખું નુક્સાન થાય નહિ, તે માટે સાવચેત રહેવું જોઈએ. સંસ્થાના સંચાલકની જવાબદારી સંસ્થા ચલાવાની છે, પરંતુ લાભાર્થીએ સંસ્થાના રક્ષણ માટે જાગૃત રહેવું જોઈએ. કારણ કે સંસ્થા સલામત હશે, તો તેનો લાભાર્થી પણ સલામત જીવન જીવવા યોગ્ય મદદ અને માર્ગદર્શન મેળવી શકશે. જેટલા કાર્યકરો, ટ્રસ્ટીઓ કે કર્મવીરો જાગૃત હોય છે તેટલા તેના લાભાર્થી જાગૃત જોવા મળતા નથી. જે સંસ્થાના લાભાર્થી સમજદાર અને જાગૃત હોય છે તે સંસ્થાઓ દુનિયામાં મોખરાનું સ્થાન પામે છે. સંસ્થાનો લાભાર્થી તંદુરસ્ત વિચારધારા ધરાવતો નહિ હોય, તો પ્રગતિ કરતી સંસ્થા પણ વેરવિખેર થઈ નાશ પામશે. નકારાત્મક વિચારધારા સમય જતા ખૂબ મોટી સંસ્થાનું પતનનું બની જાય છે. દરેક લાભાર્થીની વિચારધારા હકારાત્મક હોવી જોઈએ. જે સંસ્થાના લાભાર્થી પોતાની હકારાત્મક વિચારધારાથી સજ્જ છે તેવી દરેક સંસ્થા કે સંગઠન પ્રગતિના પ્રકાશથી હંમેશા ઝળહળતી રહે છે. સંઘબળ સિદ્ધિને દોરી લાવે છે. સંગઠન શક્તિ વડે સંસ્થાના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય છે. દાતાઓના અનુદાનને ઉગાડવા તેના લાભાર્થીઓએ ‘પરિશ્રમ એ જ પારસમણિ’ સૂત્રને ચરિતાર્થ કરવું પડશે. દાતાઓએ પોતાની પવિત્ર લક્ષ્મી આવી સંસ્થાઓની પ્રવૃતિને જીવંત રાખવા વાપરવી પડશે. સંસ્થાના પ્રત્યેક કર્મવીરે લાભાર્થીના વિકાસ માટે કામે લાગી જઈ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરવી પડશે.

વાચક મિત્રો, આમ થશે ત્યારે જ આદર્શ સંસ્થાનો ઉદય થશે…

Previous articleબોરડા ગામે ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી
Next articleમોદીને આરબ અમીરાતનો  “શેખ મેડલ”