હોલ ટિકિટ સંદર્ભે હેલ્પલાઇન ઉપર પણ ફરિયાદ કરી શકાશે

799
GUJ2722018-10.jpg

રાજય સરકાર દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ નહી અટકાવવાની શાળાઓને કડક તાકીદ કરાયા બાદ બે દિવસ પહેલાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઇ) દ્વારા પણ તમામ શાળાઓને વિદ્યાર્થીઓની હોલ ટિકિટ કોઇપણ સંજોગોમાં નહી અટકાવવા તાકીદ કરાઇ હતી. જો કે, હજુ પણ કેટલાક ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા હોલ ટિકિટ અટકાવતાં હોવાની ફરિયાદો રાજયના શિક્ષણ વિભાગ સુધી પહોંચતાં હવે બોર્ડે પરિપત્ર જારી કર્યો છે કે, કોઇપણ સંજોગોમાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવવામાં ન આવે અને જો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નહી અપાય તો, તેવી કસૂરવાર શાળાઓ વિરૂધ્ધ માન્યતા રદ કરવા સુધીના પગલા સરકાર દ્વારા લેવામાં આવશે. બીજીબાજુ, સરકારે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ મુદ્દે નિશ્ચિંતતા આપતાં બોર્ડની હેલ્પલાઇન ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર આ અંગેની ફરિયાદ કરવાની સત્તા આપી છે. ઉલ્લેખનીય છે કે, બોર્ડની આ હેલ્પલાઇન આમ તો, વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે છે પરંતુ બોર્ડ અને સરકાર દ્વારા હવે જાહેર કરાયું છ ેકે, જો બોર્ડના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ કોઇપણ શાળા સંચાલક દ્વારા અટકાવાય અથવા તો તે વિદ્યાર્થીઓને ન અપાય તો વિદ્યાર્થીઓ કે વાલીઓ બેધડક આ હેલ્પલાઇન નંબર પર ફોન કરી ફરિયાદ કરી શકે છે. હોલ ટિકિટની કોઇપણ પ્રકારની મુશ્કેલી મુદ્દે બોર્ડ અને સરકાર વિદ્યાર્થીઓની સાથે છે. ઉલ્લેખનીય છે કે, રાજય સરકારના ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમને ગુજરાત હાઇકોર્ટની બહાલી બાદ અને સુપ્રીમકોર્ટની પણ રાહત પછી પણ શાળા સંચાલકોને વાગેલા મોટા ઝટકાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.  હાઇકોર્ટના સરકારના કાયદાને બહાલી આપતાં સ્પષ્ટ ચુકાદા બાદ પણ હજુ કેટલાક ખાનગી સ્વનિર્ભર શાળાના સંચાલકો મનસ્વી ફી અને તગડી ફી વસૂલવા વાલીઓ પર દબાણ કરી રહ્યા છે અને કેટલાક ખાનગી શાળા સંચાલકો રીતસરની નફ્ફટાઇ પર ઉતરી આવ્યા છે અને તે પણ એટલી હદે કે, આવા શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા અપાયેલી હોલ ટિકિટ પોતાની પાસે દબાવી રાખે છે અને વિદ્યાર્થીઓ ફી ભરે પછી જ તે હોલ ટિકિટ આપવાની ધમકી આપે છે. આ વાતની ફરિયાદ સીબીએસઇ સુધી પહોંચતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન(સીબીએસઇ) સત્તાવાળાઓએ આજે એક પરિપત્ર જારી કરી તમામ શાળાઓને કડક સૂચના જારી કરી હતી કે, તેઓ કોઇપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી શકશે નહી. બોર્ડે આપેલી ટિકિટ સ્કૂલો પોતાની પાસે કોઇપણ સંજોગોમાં રાખી શકશે નહી અને તે વિદ્યાર્થીઓને આપી દેવાની રહેશે. તમામ શાળાઓને બોર્ડના આ નિયમનો કડકાઇથી પાલન કરવા તાકીદ કરાઇ છે. તાજતેરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સત્તાવાળાઓને પણ આ પ્રકારની ફરિયાદ મળતાં રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હોલ ટિકિટ નહી આપનારી ખાનગી શાળાઓને કડક ચેતવણી આપી હતી અને નહી તો, સરકાર આવી શાળાઓ વિરૂધ્ધ આકરા નિર્ણય લેતા પણ અચકાશે નહી તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટના ચીફ જસ્ટિસની સલાહ લઇને નવી રચાયેલી સમિતિ કાર્ય કરશે. નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી શાળાઓ નિયત ફી જ લઇ શકશે. કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી નહી ભરવાને કારણે વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી રાખી હોવાની ધમકી અને ફરિયાદનો મામલો સરકાર સુધી પહોંચ્યો છે અને સરકારે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે. આવી શાળાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતાં સરકાર સહેજપણ અચકાશે નહી.    

Previous articleફી કમિટી દ્વારા ૨૮ માર્ચે પ્રોવિઝનલ ફી જાહેર કરાશે, ૨ મેએ અંતિમ ફી નક્કી કરાશે
Next articleસાબરકાંઠામાં જીપ – ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત : ૭ના મોત