શેરબજારમાં અવિરત તેજી : વધુ ૧૪૭ પોઇન્ટનો સુધારો નોંધાયો

413

શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૪૭ પોઇન્ટ સુધરીને ૩૭૬૪૧ની સપાટીએ રહ્યો હતો. તાતા મોટર્સ, તાતા સ્ટીલ, યશ બેંક, એનટીપીસીના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો જ્યારે ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા, ઇન્ફોસીસ અને ટીસીએસમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી બાજુ નિફ્ટીમાં ૪૮ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૧૧૦૫ નોંધાઈ હતી. જો કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેરમાં મંદી અને ડોલર સામે રૂપિયામાં ઘટાડો થતાં વધુ તેજી પર બ્રેક મુકાઈ હતી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ મંત્રણા ટુંકમાં શરૂ થઇ રહી છે આવી આશા વચ્ચે મૂડીરોકાણકારો આશાસ્પદ દેખાઈરહ્યા છે. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો જાહેર ક્ષેત્રની બેંકો, એનબીએફસી, ઓટો મોબાઇલ અને મેટલના શેરમાં તેજી રહી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં ૨.૫૧ ટકા જ્યારે નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં ૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી વધુ ૧.૩૫ ટકાનો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં સ્મોલકેપમાં મિડકેપ કરતા સારી સ્થિતિ રહી હતી. શેરબજારમાં આજે ઉથલપાથલ રહી હોવા છતાં કારોબારના અંતે સ્થિતિ સુધારાવાળી રહી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સરકારને ૧.૭૬ લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીના શેરમાં સાત ટકાનો ઉછાળો રહ્યો હતો. સીતારામને શુક્રવારના દિવસે મોડી રાત્રે અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સરચાર્જ લાગૂ કરવામાં આવ્યા બાદ એફપીઆઈ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. હાલમાં જ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા એફપીઆઈ અને સ્થાનિક રોકાણકારો માટે બુસ્ટરની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરુપે ધારણા પ્રમાણે જ તેજી રહી હતી. પીએસયુ બેંક માટે ૭૦૦૦૦ કરોડ રૂપિયાની જાહેરાત નાણામંત્રી દ્વારા કરવામાં આવી ચુકી છે જેના લીધે કેશફ્લોમાં વધારો થશે. સાથે સાથે તમામ પ્રકારની લોન સસ્તી થશે.  રિયલ એસ્ટેટ ડેવલપર્સના શેરમાં પણ તેજી રહી શકે છે. કારણ કે નાણામંત્રીએ આગામી સપ્તાહમાં આવાસની ખરીદી કરનાર લોકોની ચિંતાને દૂર કરવા વધુ પગલા જાહેર કરી શકે છે. આગામી થોડાક દિવસોમાં વધુ પગલાની જાહેરાત થનાર છે. વિદેશી મૂડીરોકાણકારો દ્વારા ઇક્વિટીમાંથી ૧૨૧૦૫.૩૩ કરોડ રૂપિયાની નેટ રકમ પાછી ખેંચી લીધી છે પરંતુ પહેલી ઓગસ્ટથી ૨૩મી ઓગસ્ટ વચ્ચેના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૯૦૯૦.૬૧ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. આની સાથે જ મૂડી માર્કેટ જેમાં ઇક્વિટી અને ડેબ્ટ બંનેનો સમાવેશ થાય છે તેમાંથી ૩૦૧૪.૭૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારી બેંકોમાં ૭૦૦૦૦ કરોડ રૂપિયાની મૂડી ઠાલવવાની વાત કરવામાં આવી ચુકી છે. શેરબજારમાં બુસ્ટર ડોઝની અસર ગઇકાલે જોવા મળી હતી. ગઇકાલે સોમવારના દિવસે બીએસઈમાં ૩૦ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ૭૯૩ પોઇન્ટ ઉછળીને ૩૭૪૯૪ની સપાટી ઉપર બંધ રહ્યો હતો. આવી જ રીતે બ્રોડર નિફ્ટી ૫૦માં ૨૪૧ પોઇન્ટનો ઉછાળો ઇન્ટ્રાડેના કારોબાર દરમિયાન નોંધાયો હતો.

Previous articleATMથી ૬-૧૨ કલાક બાદ ફરીવખત પૈસા ઉપાડી શકાશે
Next articleહવે એસટી બસમાં વિદેશી દારૂની હેરાફેરી વધી ગઈ!