પાલિકાએ સફાઇમાં બેદરકારી દાખવનારા ૪૦ લોકોને દંડ ફટકાર્યો

398

પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર અને દુકાનની આસપાસ સ્વચ્છતા નહી રાખનાર માણસાના ૪૦ જેટલા એકમોના માલિકો પાસેથી માણસા નગરપાલિકાએ રૂપિયા ૮૭૦૦નો દંડ વસૂલ્યો હતો. જ્યારે ૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત લીધુ હતું. પાલિકાની આવી કામગીરીના પરિણામ સ્વરૂપે નગરના અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકિલ્લાથી ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લાવવા પહેલ શરૂ કરવા દેશવાસીઓને અપીલ કરી હતી. ઉપરાંત મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિના દિવસે પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ માટે નિયમ બનાવવામાં આવશે તેમ વડાપ્રધાને મન કી બાતમાં જણાવ્યું હતું. વડાપ્રધાનની પ્લાસ્ટિક ઉપયોગ નહી કરવા દેશવાસીઓને અપીલ કરતા કુંભકર્ણ નિદ્રામાં રહેલું માણસા નગરપાલિકા સફાળું જાગ્યું હોય તેમ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને સ્વચ્છતા ઉપર કામગીરી શરૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે નગરપાલિકા, મહાનગર વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ કરતા વેપારીઓની પાસેથી પ્લાસ્ટિક જપ્ત લઇને દંડનીય કાર્યવાહી કરવાનો નિયમ છે. માણસા નગરપાલિકાના સેનેટરી સ્ટાફ દ્વારા નગરના વિવિધ બજારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ કરીને દુકાનની આસપાસ સ્વચ્છતા નહી જાળવવા બદલ દુકાન કે ઓફિસના માલિકોની સામે દંડનીય કાર્યવાહી કરી હતી. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કર્તા વેપારીઓની પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત લીધો હતો. નગરપાલિકાની સેનેટરી સ્ટાફે ગંદકી ફેલાવવા બદલ ૪૦ દુકાનના માલિકો પાસેથી રૂપિયા ૮૭૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રતિબંધ હોવા છતાં ૪૦ માઇક્રોનથી ઓછા ઝભલાનું વેચાણ કરનાર વેપારીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત લીધું હતું. માણસા નગરપાલિકાના સ્ટાફે કુલ ૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત લીધું હતું.

Previous articleબિલ્ડરનું અપહરણ કરીને ૫૦ લાખની ખંડણી માંગવા આવેલા ૩ પકડાયા
Next articleઢોર ડબ્બામાંથી પશુ છોડાવી જનારા ૧૩ની ધરપકડ