જન્માષ્ટમીની રાત્રે સેક્ટર-૩૦ ઢોરના ડબ્બે ૨૫થી ૩૦ લોકોએ હુમલો કરીને ૧૮૫ જેટલી ગાયો છોડાવી દીધી હતી. અગાઉ જન્માષ્ટમી અને ઉત્તરાયણ પર્વે રાજ્યભરમાં પકડાયેલી ગાયોને છોડી મુકાતી હતી. જોકે છેલ્લા બે વર્ષથી આ સિરસ્તો બંધ કરાતા ગાંધીનગરમાં ઉશ્કેરાયેલા ૨૫થી ૩૦ પશુપાલકોએ જન્માષ્ટમી હોવા છતાં ગાયો કેમ છોડી નથી કહીં સિક્યુરિટી ગાર્ડ સહિતના કર્મચારીઓને માર મારીને ઢોરડબ્બો ખોલી દીધો હતો. જે મુદ્દે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનમાં ધાડ, હુલ્લડ, ગેરકાયદેસર મંડળી, ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ગાંધીનગર પોલીસે તાત્કાલિક અસરથી ૧૩ લોકોને દબોચી લીધા હતા. જેઓની પાસેથી પોલીસે પાંચ બાઈક અને પાંચ મોબાઈલ જપ્ત કર્યા છે.
હુમલા સમયે અંધારાને પગલે આરોપીઓને ઓળખી શકાતા ન હતા. જોકે, તેમાંથી એક શંભુ રબારી હોવાનું સિક્યુરિટી ગાર્ડ ઓળખી ગયો હતો. કારણ કે અગાઉ અગાઉ અનેક વખત પોતાની ગાયો જોવા માટે ઢોર ડબ્બાએ આવતો હતો અને મુલાકાતી રજિસ્ટરમાં તેની વિગતો લખાવતો હતો. ફરિયાદીએ પણ શંભુના નામ જોગ જ ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં ઝડપી સફળતા મળી હતી. ભૂતકાળમાં પણ આવા કેટલાક બનાવો બન્યા હતા. પરંતુ જન્માષ્ટમીના દિવસે જે ઘટના બની તે ગાંધીનગર શહેરમાં પ્રથમવાર બની હોવાનું બહાર આવતા મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવી ગયું હતું.
મોટાભાગના પશુપાલકો દ્વારા છુટ્ટા મુકી દેવાતા કે તરછોડી દેવાતા પશુઓ શહેરમાં ટ્રાફિક સહિતની સમસ્યા ઉભી કરે છે. રસ્તાઓ પર જ અંડીગો જમાવી દેતા પશુ ઘણીવાર કોઈનો મોતનું કારણ પણ બને છે. ૩૦ જુલાઈએ ધોળાકુવા પાસે એક્ટિવા ગાય સાથે અથડાતા એક યુવકનું મોત થયું હતું. મે મહિનામાં ગાંધીનગર તાલુકાના વડોદરાથી ગલુદણ વચ્ચે ગાય વચ્ચે આવતા કાર ઝાડમાં ઘૂસી જતા ગલદુણ ગામના સરપંચના પુત્રનું મોત થયું હતું. જાન્યુઆરી માસમાં અડાલજ પાસે નર્મદા કેનાલ પાસે ગાય સાથે બાઈક અથડાતા ડુકાટી શો રૂમના સેલ્સ મેનેજર યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું.
આરોપીઓની ધરપકડ બાદ ઘટના અંગે ડીવાયએસપી એમ. કે. રાણાએ કહ્યું હતું કે, ‘ઢોર છોડાવવા માટે ઢોરડબ્બા પર થયેલો હુમલો એ પૂર્વ નિયોજીત કાવતરું હતું. હુમલા પહેલાં આરોપીની સેક્ટર-૧૩ના છાપરામાં મિટિંગ મળી હતી. જ્યાં હુમલાની રણનિતી ઘડાઈ હતી.’