ૃમાણસા નગરપાલિકાની ચૂંટણીમાં પાલિકાની ૨૮ બેઠકોમાંથી ભાજપે ૧૫ બેઠકો જીતીને બહુમતી મેળવી હતી. જયારે કોંગ્રેસનાં ભાગે ૧૩ બેઠકો આવી હતી. તેમ છતા પ્રમુખ પદ માટે ભાજપમાં આંતરીક વિવાદ થાય અને કોઇ મોકો મળી જાય તેવી આશાએ કોંગ્રેસ બેઠી હતી. પરંતુ ભાજપનાં તમામ સદસ્યોએ પાર્ટીની શિસ્ત પ્રમાણે મેન્ડેટને શિરોમાન્ય કરીને બાબુભાઇ પટેલને પ્રમુખ તરીકે ચૂંટી લીધા હતા. પ્રમુખની ચૂંટણીમાં પણ મુખ્ય ચૂંટણી ચૂંટણી જેવુ જ પરીણામ રહ્યુ હતુ.
માણસા નગરપાલિકાની રસાકરી ભરી ચૂંટણીમાં સતત પાંચમી ટર્મમાં પણ ભાજપે વિજય મેળવ્યો હતો અને સોમવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રાંત અધિકારીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂંટણીમાં ભાજપનાં જિલ્લા મહામંત્રી આઇ બી વાઘેલા મેન્ટેડ લઇને આવ્યો હતો.
મેન્ટેડને ભાજપનાં ચૂંટાયેલા તમામ સદસ્યોએ સમર્થન આપ્યુ હતુ. જેમાં પ્રમુખ તરીકે પટેલ બાબુભાઇ ગીરધરભાઇ અને ઉપ પ્રમુખ તરીકે ઠાકોર ગીતાબેન મુકેશભાઇનાં નામની દરખાસ્ત મુકાઇ હતી. જેની સામે કોંગ્રેસે પ્રમુખ તરીકે વિજયસિંહ રાઓલ તથા આશિષકુમાર પટેલને સામે ઉતાર્યા હતા. ચૂંટણીમાં ભાજપનાં તમામ ૧૫ સદસ્યોએ પોતાનાં બંને ઉમેદવારોને જીતાડીને વિજય અપાવ્યો હતો. બાબુભાઇ તથા ગીતાબેનને વિજયી જાહેર કરતા હોદેદારો અને કાર્યકરોએ વિજયને વધાવી બંનેને ફુલહાર પહેરાવીને સન્માનીત કર્યા હતા. જયારે કોંગ્રેસ ભાજપનાં સભ્યોને તોડવામાં ન ફાવતા ભાજપ જે કરી શકે તે કોંગ્રેસ ન કરી શકેની ચર્ચા જાગી હતી.