ગાંધીનગર શહેર નજીક સરગાસણમાંથી તાજેતરમાં પોલીસે એક જુગારધામ ઝડપી પાડયું હતું. જે જુગારમાં નવ આરોપીઓ પકડાયા બાદ પીએસઆઈએ આ આરોપીઓ પાસેથી કુલ મળીને ૧૧ લાખ રૂપિયાનો તોડ કરી લીધાના આક્ષેપ સાથે એક શખ્સે જિલ્લા પોલીસ વડાને ફરીયાદ કરી છે અને તેમાં રૂપિયા માટે આવેલા ફોનની ડીટેઈલ પણ મોકલવામાં આવી છે. જેને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહયું છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા સરગાસણમાં તાજેતરમાં પોલીસે દરોડો પાડીને નવ જુગારીઓને ઝડપી પાડયા હતા. જે પૈકી ઝડપાયેલા એક શખ્સે જિલ્લા પોલીસ વડાને ફરીયાદ કરી છે કે અન્ય મિત્રો સાથે જુગાર રમતાં ઝડપાયો ત્યારે રોકડા છ લાખ રૂપિયા હતા.
જે પૈકી પોલીસે માત્ર બે લાખ રૂપિયા જ બતાવ્યા હતા. એટલું જ નહીં દરોડો પાડનાર પીએસઆઈ એ બીજા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને બીજા ૭.૧૫ લાખ રૂપિયા પડાવી લીધા છે. તેણે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે શહેરની એક પોલીસ ચોકીમાં ર.૩૦ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાંથી આવેલા વ્યક્તિ જે આ પીએસઆઈની કાર ચલાવે છે તેને બીજા ર.૧૦ લાખ રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની લેતીદેતીમાં પણ તેને એક હોટલના રૂમમાં બોલાવવામાં આવ્યો હતો.
જ્યાં ચાર પોલીસ જવાનોની સાથે બીજા બે અન્ય વ્યક્તિઓ પણ હાજર હતા. જે ફલેટમાં દરોડો પાડયો તે વ્યક્તિ પાસેથી પણ ૧પ હજાર રૂપિયા રોકડા લેવામાં આવ્યા હતા. જે પોલીસ જવાનોના રૂપિયા માટે ફોન આવતાં હતા તેમના નંબર પણ આ અરજીમાં રજુ કરવામાં આવ્યા છે જેની ડીટેઈલ પણ આ ભોગ બનનાર પાસે હોવાનું કહેવાયું છે. બીજી બાજુ જિલ્લા પોલીસ વડાએ પણ આ અરજીની ગંભીર નોંધ લીધી છે અને તેની ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે પણ કહી દીધું હોવાનું સુત્રો જણાવી રહયા છે.