ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે તેમાં પણ ખાસ કરીને અક્ષરધામ મંદિરની સામે લારીગલ્લાના દબાણો વધી ગયા હતા. જે અંગે અવારનવાર ફરિયાદો પણ થઈ હતી ત્યારે આજે ગાંધીનગર કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા અહીં ૮૦ જેટલા લારીગલ્લાના દબાણો હટાવવામાં આવ્યા છે અને આ દબાણો ફરીવાર ઉભા ના થાય તે માટે સિક્યોરીટી જવાનો પણ ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. નોંધવું રહેશે કે ગાંધીનગર શહેરમાં સરકારની કરોડો રૂપિયાની કિંમતી જમીન ઉપર દબાણો ઉભા થઈ રહયા છે અને આ દબાણો હટાવવા માટે અવારનવાર એકશન પ્લાન તૈયાર કરવામાં આવતો હોય છે પરંતુ દબાણો હટાવ્યાને થોડાક જ સમયમાં ફરીવાર સ્થિતિ યથાવત થઈ જાય છે.
અક્ષરધામ મંદિરની બહાર પણ મોટી સંખ્યામાં લારીગલ્લાના દબાણ ઉભા થઈ ગયા છે. જેને આજે કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવ્યા હતા. ૮૦થી વધુ લારી ગલ્લાના દબાણો હટાવી ત્યાં સિક્યોરીટી જવાનો ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.